બોટાદ જિલ્લામાં ૨૨ હજાર થી વધુ લોકોને કોરોના સામે રક્ષણ આપતી રસી અપાઈ

૪૫ વર્ષથી વધુ વયના અને વિવિધ બિમારી ધરાવતા ૩૩૧૧ લોકોનું કરાયુ રસીકરણ સમગ્ર દેશભરમાં કોરોના વિરૂધ્ધ રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત બોટાદ જિલ્લામાં નાગરિકોને કોરોના વાયરસ સામે રક્ષણ આપવા માટે જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા ચાલી રહેલા રસીકરણ અભિયાનમાં અત્યાર સુધીમાં જિલ્લાના ૨૨૯૨૧ નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. સમગ્ર જિલ્લાના તમામ શહેરી અને ગ્રામ્ય પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્રો ઉપર કોવીડ-૧૯ રસીકરણની કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે. બોટાદ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના જણાવ્યા અનુસાર જિલ્લામાં ૪૫ થી ૫૯ વર્ષ વય જૂથના આશરે ૩૩૧૧ કો-મોરબીડ નાગરિકો તેમજ ૬૦ વર્ષથી વધુ વય ધરાવતા ૧૯૬૧૦ નાગરિકો મળીને કુલ ૨૨૯૨૧ લોકોને રસી આપી કોરોના મહામારી સામે રક્ષિત કરાયા છે. જિલ્લામાં કરાયેલી રસીકરણની કામગીરીની વિગત જોઇએ તો બોટાદ તાલુકામાં ૮૩૬૧, ગઢડા તાલુકામાં ૮૫૦૬, બરવાળા તાલુકામાં ૩૦૮૨ અને રાણપુર તાલુકામાં ૨૯૭૨ મળી કુલ ૨૨૯૨૧ લોકોને કોરોના સામે રક્ષણ આપતી રસી મુકવામાં આવી છે.        અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લામાં રસીકરણની કામગીરીમાં કેટલાંક લોકોમાં ખાસ કરીને દેવી પૂજક સમાજમાં ખચકાટ જોવા મળતો હતો. આ સમાજના લોકોને પણ કોરોનાની રસીથી સુરક્ષિત કરવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા તેમના ભૂવા અને સમાજના અગ્રણીઓનો સંપર્ક કરી, સમજાવટ બાદ રસીકરણ કરાવવા તૈયાર કર્યા છે અને રસી આપવામાં આવેલ છે.