ધોળકાના શેખડી નજીક લકઝરી બસ અને કાર અથડાતા બે વ્યક્તિના મોત

અમદાવાદ જિલ્લાના ધોળકા થી સરખેજ જવાના હાઇવે પર આજે સાંજે એક લકઝરી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા  કારમાં સવાર  ધોળકાના વતની એક પુરુષ અને એક મહિલા સહિત બે વ્યક્તિઓના કમકમાટીભર્યા મોત નિપજયા છે.

       પ્રાપ્ત માહિતી મુજબ આજે સાંજે ધોળકા-સરખેજ હાઇવે પર શેખડી કેનાલ નજીક ધોળકા સ્થિત કેડીલા ફાર્માસ્યુટિકલ કંપનીના કર્મચારીઓની અવર જવર માટેની પટેલ ટ્રાવેલ્સની લકઝરી બસ અને ધોળકાની એક કાર વચ્ચે ગોઝારો અકસ્માત થતા કાર નો કચ્ચરઘાણ વળી ગયો હતો.આ અકસ્માતની જાણ થતાં જ ધોળકાથી ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સની ટિમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.કારમાં સવાર ધોળકાના વતની મહેશભાઈ ચીમનભાઈ સોલંકી (ઉ.વ.૪૨) અને હર્ષિતાબેન નિકુંજભાઈ મકવાણા (ઉ.વ.૩૦) ના ગંભીર ઇજા થવાથી કમકમાટીભર્યા મોત નિપજ્યા છે.આ બનાવની જાણ થતાં જ ધોળકા રૂરલ પોલીસ ટિમ પણ તાત્કાલિક ઘટના સ્થળે ધસી ગઈ હતી. આ બનાવની જાણ થતાં લોકટોળા પણ અકસ્માત સ્થળે ઉમટ્યા હતા.ધોળકા રૂરલ પોલીસે જરૂરી કાર્યવાહી કરી બન્ને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ધોળકા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં મોકલ્યા હતા.

રિપોર્ટર ગોહેલ સોહિલ કુમાર