કેરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારાની પ્રેરક ઉપસ્થિતિમાં રસીકરણ ઉત્સવ યોજાયો

ભુજ, રવિવારઃ
“રસીકરણમાં સૌને સાથ કોરાનાને આપીશું મ્હાત” ના સંકલ્પથી રાષ્ટ્રીયસ્તરે શરૂ થયેલા રસીકરણ અભિયાન અન્વયે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના આહવાનને વધાવતાં સમગ્ર કચ્છ જિલ્લામાં રસીકરણ મહોત્સવનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે.
૧૧ થી ૧૪ એપ્રિલ-૨૦૨૧ સુધી ચાલનારા આ રસીકરણ ઉત્સવમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પારૂલબેન કારાએ કેરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઇ સર્વેને કોરોના વેકસીન લેવા અનુરોધ કર્યો હતો.
શ્રીમતી કારાએ આ તકે જિલ્લા પંચાયત આરોગ્ય શાખા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની કામગીરીમાં જોડાયેલા કોરોના વોરિયર્સને બિરદાવીને ધન્યવાદ આપ્યા હતા.
કોરોનાને હરાવવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના આહવાનને ઝીલી સૌ કોરોના અંગે ભયમુકત બનીએ એમ તેમણે વધુમાં જણાવ્યું હતું. વેકસીન લેનારા લાભાર્થીઓના ખંબર પૃચ્છા કરતાં તેમણે સૌને ભયમુકત રહેવા અનુરોધ કર્યો હતો. આ કામગીરી સાથે સંકળાયેલ કોરોના વોરિયર્સ તેમજ નાગરિકો ઉપસ્થિત રહયા હતા.
તેમણે સૌને કોરોના ગાઇડલાઇન પાલન કરવા અપીલ પણ આ તકે કરી હતી.