કોરોના રસીકરણ કામગીરીમાં બોટાદ જિલ્લામાં ૪૫ વર્ષથી વધુ વયના કુલ ૪૩૦૮૫ થી વધુ લોકોને રસી અપાઈ

બોટાદ જિલ્લામાં હાલ ચાલી રહેલી કોરોના રસીકરણ કામગીરીમાં
બોટાદ જિલ્લામાં ૪૫ વર્ષથી વધુ વયના કુલ ૪૩૦૮૫ થી વધુ લોકોને રસી અપાઈ. જેમાં બોટાદ તાલુકામાં ૧૬૭૨૩, ગઢડા તાલુકામાં ૧૬૧૬૧, બરવાળા તાલુકામાં ૪૮૫૫ અને રાણપુર તાલુકામાં ૫૩૪૬ મળીને કુલ ૪૩૦૮૫ લોકોને કોરોના સામે રક્ષણ આપતી રસી આપવામાં આવેલ છે.
હાલમાં બોટાદ જિલ્લામાં કોવિડ -૧૯ નાં પોઝિટીવ કેસમાં વધારો થતો હોઈ તમામ જાહેર જનતાને જણાવવાનું કે, આગામી દિવસોમાં કોરોના મહામારીનાં સંક્રમણની જોખમી પરિસ્થિતિમાં કોરોનાનાં શંકાસ્પદ દર્દીઓને નિદાન અને સારવાર માટે પડતી મુશ્કેલીને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર અને જીલ્લા આરોગ્ય તંત્ર, બોટાદ દ્વારા જનરલ હોસ્પિટલ, બોટાદ ખાતે કોરોના બીમારીનાં નિદાન માટે RT-PCR લેબોરેટરીની સુવિધા ટૂંક સમયમાં શરુ થનાર છે જેના માટે RT-PCR મશીન અને અન્ય સાધન-સામગ્રી આવી ગયેલ છે તેમજ કોરોના પોઝિટીવ દર્દીની સારવાર માટે દાખલ કરવા માટે બોટાદ જિલ્લામાં ભાવનગર રોડ પર આવેલ આરાધના એન્જીનીયરીંગ કૉલેજ ખાતે ૧૫૦ બેડની કોવિડ હોસ્પિટલ ઉભી થનાર છે.
કોરોના મહામારીની વિપરીત પરિસ્થિતિથી બચવા માટે તમામ જાહેર જનતાને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી, બોટાદ દ્વારા અનુરોધ કરવામાં આવે છે કે, નિયમિત સોશિયલ ડિસ્ટન્સ રાખવું, વારંવાર સાબુથી હાથ ધોવા, માસ્ક અવશ્ય પહેરી રાખવું, છીંક કે ઉધરસ ખાતી વખતે રૂમાલથી મોં બરોબર ઢાંકવું, અતિ આવશ્યક કામ વગર ઘરની બહાર નીકળવું નહિ, વયોવૃદ્ધ તેમજ નાના બાળકોની ખાસ સાર-સંભાળ રાખવી, દરેક વ્યક્તિએ પૂરતા પોષક તત્વો વાળો આહાર લેવો, વધારેમાં વધારે પ્રવાહી ખોરાક લેવો. તાવ, શરદી, ઉધરસ કે શ્વાસ લેવામાં તકલીફ જણાય તો તુરંત જ નજીકના આરોગ્ય કેન્દ્ર પર જઈને જરૂરી તપાસ કરાવવી હિતાવહ છે જેથી કરીને ગંભીર પરિસ્થિતિમાંથી બચી શકાય અને ૪૫ વર્ષથી વધુ વયના તમામ વ્યક્તિઓએ રસીકરણ કેન્દ્ર પર જઈને કોરોના વિરોધી રસી અચૂક લેવી.