દિવસ રાત જોયા વગર મૃતદેહને અંતિમવિધી માટે પહોંચાડતા કોરોના યોધ્ધાઓ

શબવાહિની અને એમ્બ્યુલન્સ ચાલકો
વહેલી સવારે એમ્બ્યુલન્સ ચાલકનો ફોન આવે છે અને કોવીડ સ્મશાનમાં મૃતદેહના અંતિમસંસ્કાર અંગે તંત્ર સાથે સંકલનમાં રહેતા Rss ના કાયઁકર્તાને પુછે છે કે બે બોડી છે. લઇને ક્યારે આવું?
સુખપરમાં સવારથી સાંજ અને ખારી નદી સ્મશાનમાં સાંજથી વહેલી સવાર સુધી સતત મૃતદેહના અંતિમસંસ્કાર કરીને થાકેલા સ્વયંસેવકો હજી પુરતી ઉંઘ નથી કરી એટલે ચાલકને કહ્યું કે આઠ વાગ્યા પછી લાવે તો સારું. તો ચાલક ફરી વિનંતી સાથે કહે છે કે ભાઇ અઠવાડિયાથી હોસ્પિટલમાં દાખલ મૃતકના સબંધી ખુબ દૂરથી આવ્યાં છે, દુખી છે અને મૃત્યુ પછી આખી રાત લટકીને બેઠાં છે તો જલ્દી અગ્નિસંસ્કાર થાય તો એ લોકોને રાહત થાય અને બધા ઘરે પહોંચે.
આ વિનંતીને કોણ ઠુકરાવી શકે? અને સંઘના પાંચ છ કાયઁકર્તાઓ ઉંઘ અને આરામને બાજુએ મુકીને ફરીથી સ્મશાને પહોંચીને કોરોનાગ્રસ્ત મૃતદેહોના નિકાલ માટે લાગી જાય છે.
કોરોનાગ્રસ્ત મૃતદેહના અંતિમસંસ્કારનું કામ તો જોખમી છે જ પણ આ મહામારીમાં હોસ્પિટલોમાં ખડકાયેલા એ મૃતદેહોનો ઝડપી નિકાલ તો જ થાય જો એ મૃતદેહો સમયસર હોસ્પિટલથી સ્મશાન સુધી પહોંચે. અને કઠણ હ્રદય સાથે જીવના જોખમે એ કામ પાર પાડે છે શબવાહિની કે એમ્બ્યુલન્સના વાહન ચાલકો.
કાગડા બધે કાળા એ વાયકા પ્રમાણે આવા સમયે પણ ગેરરીતિ અને સમય સંજોગનો લાભ ઉઠાવીને મૃતકના પરિવારો પાસેથી આથિઁક લાભ ખંખેરી લેવાનું ન ચુકતા શરમજનક એકાદ બે છુટા છવાયા કિસ્સાઓ વચ્ચે આ લખનાર પંદર દિવસના અનુભવ પછી જણાવે છે કે કોરોનાની અચાનક વણસેલી પરિસ્થિતિ અને ખૂટતાં સાધનો વચ્ચે સતત કામનાં ભારણમાં રહેતા સરકારી હોસ્પિટલના ડોકટરો, મેનેજમેન્ટ અધિકારીઓ કે કમઁચારીઓ ગમે એટલા પ્રયત્નો કરે પણ જ્યાં સુધી એમ્બ્યુલન્સ ડ્રાયવરનું સ્મશાનમાં કામ કરતા કાયઁકર્તાઓ સાથે સીધું સંકલન ન હોય તો મૃતદેહના નિકાલ બાબતે ઘણી અંધાધુંધી ફેલાઇ ગઇ હોત.
ભુજનું ખારી નદી સ્મશાન હોય કે તાલુકાના સુખપર ગામે ખાસ ચાલુ કરાયેલ કોવીડ સ્મશાન.
ભયંકર ગરમી વચ્ચે આખો દિવસ પીપીઇ કીટ પહેરવી શક્ય જ નથી એવા સમયે એક સાથે બે બે મૃતદેહ ઉપાડીને ન માત્ર ઉપરાઉપરી સ્મશાનના ફેરા કરવા સાથે પોતાને ચેપ ન લાગે એની સાવચેતી અને સાથે આવેલ વ્યથિત સ્વજનોને સાચવવાનું અને હૈયાધારણ આપવાનું કઠિન કામ કરી રહ્યા આ એમ્બ્યુલન્સ ચાલકો.
બે વાહન ચાલકો તો પોતે કોરોનાગ્રસ્ત થયા પછી ફરી સ્વસ્થ થઇને કામે લાગ્યા છે તો કોઇની માતા કે પત્ની કોરોનાથી પીડાય છે છતાં આજીવીકા ઉપરાંત સમાજને પડતી તકલીફોનો ખરાબ સમય સાચવી લેવાની માનસિકતા સાથે ભુજની જી.કે. જનરલ, નગરપાલિકા અને સંસ્થાકીય ખાનગી એમ્બ્યુલન્સ અને શબવાહિનીના ચાલકો કીશન મકવાણા, સાવન ગોસ્વામી, ઘનજી સંજોટ અને સતાર ખલીફા, મુકેશ જોશી, પ્રવિણભાઇ કે ઇમરાનભાઇ સહીતના આ બધા નામી અનામી વાહન ચાલકો અત્યારે ખરેખર કોરોના યોધ્ધા બનીને પોતાની જવાબદારી સંભાળી રહ્યા છે ત્યારે એમની કામગીરીને પણ ધન્યવાદ સાથે બીરદાવવી ઘટે.
રામજી વેલાણી સુખપર. મો. 9428234365