ચોમાસાને ધ્યાને લઇ દાહોદમાં આપત્તકાલીન પૂર્વાજયોન કરવા સૂચના આપતા કલેક્ટર

આગામી વર્ષાઋતુમાં અતિવૃષ્ટિને ધ્યાને રાખીને કલેક્ટર વિજય ખરાડીએ દાહોદના સંલગ્ન વિભાગોને આપત્તકાલીન આયોજનની પૂર્વ તૈયારીઓ કરવા માટે સૂચના જારી કરી છે. દાહોદમાં ભૂતકાળમાં થયેલી અતિવૃષ્ટિના અનુભવોને આધારે આપત્તકાલીન આયોજન કરવાની સૂચના આપતા કલેક્ટર શ્રી ખરાડીએ એક ઓનલાઇન બેઠકમાં કહ્યું કે, જ્યાં વધુ પાણી ભરાઇ છે, એવા વિસ્તારો નિયત કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં રહેતા લોકોને અતિવૃષ્ટિના સંજોગોમાં સલામત સ્થળે ખસેડવા ઉપરાંત તે માટેની વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની રહે છે. તેમણે કહ્યું કે, દાહોદ જિલ્લામાં આવેલા સાત મોટા જળાશયો ઉપરાંત નાના જળાશયોના હેઠવાસમાં આવતા ગામોના સરપંચો, તલાટી મંત્રીના સંપર્ક નંબરો મેળવી ડેમમાંથી પાણી છોડવાના કિસ્સામાં અગાઉથી જાણ કરી દેવાની રહે છે. આ ઉપરાંત રેસ્ક્યુ માટે રહેલી બોટ સહિતના સાધનોની વાસ્તવિક સ્થતિની ચકાસણી કરી લેવી જોઇએ. ડીવોટરિંગ પમ્પ પણ તૈયાર રાખવાના રહેશે. ગામ દીઠ તરવૈયાઓની યાદી તૈયાર કરી લેવી હિતવાહ છે. જેથી અણીના સમયે આ કુશળ તરવૈયાની મદદ લઇ શકાય. તેમણે પુરવઠા વિભાગને એવી પણ સૂચના આપી હતી કે જે ગામ આસપાસ ભૌગોલિક સ્થિતિને કારણે પાણી ભરાવાની સમસ્યા રહેતી હોય ત્યાં આવેલી રાશન શોપની દૂકાનોને અગાઉથી ત્રણ માસનો અનાજનો જથ્થો ફાળવી દેવાનો રહેશે. આ ઉપરાંત સેવાભાવી સંસ્થાઓની પણ મદદ લઇ શકાય એ માટે આવી સંસ્થાઓની યાદી તૈયાર કરવાની રહેશે. અસરગ્રસ્ત નાગરિકોને રહેવા માટે પ્રાથમિક શાળાઓને તૈયાર રાખવાની રહેશે. હાલમાં ઘણી પ્રાથમિક શાળાઓમાં વિલેજ કોવિડ કેર સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે. પણ, અતિવૃષ્ટિના સંજોગોમાં ગામ વિસ્તારના ફળિયામાં આવેલી શાળાઓનો વૈકલ્પિક ઉપયોગ કરી શકાશે. માર્ગ અને મકાન વિભાગ રાજ્ય અને પંચાયત હસ્તકના નાના તથા મોટા પૂલો ઉપર ફ્લડ ગેજ સાઇન મૂકી વોર્નિંગ લેવલની સૂચના મૂકવા તેમણે જણાવ્યું છે. તદ્દઉપરાંત, માર્ગો ઉપર મોટા વૃક્ષો ધરાશાયી થાય તેવા સંજોગોમાં વાહનવ્યવહાર પૂર્વવત્ત કરી શકાય એ માટે વૃક્ષોને હટાવવા માટેની ટીમો નિયત કરી દેવા વન વિભાગ અને માર્ગ-મકાન વિભાગને તેમણે સૂચના આપી છે. વીજકંપની તેમની પ્રિમોન્સુન કામગીરી સમયસર કરી, લટકતા વીજવાયરો, વૃક્ષોનું ટ્રિમિંગ નિયત સમયમાં કરે તેવું આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું. ડિઝાસ્ટર શાખાનો આપત્તકાલીન નંબર ૧૦૭૭ હંમેશા માટે કાર્યરત રહેતો હોય છે. નાગરિકો આપત્તિના સમયમાં આ ફોન નંબર ઉપર ફોન કરી મદદ તથા માર્ગદર્શન મેળવી શકે છે. આ ઉપરાંત પોલીસના વાયરલેસની મોજુદા સ્થિતિ પણ તેમણે જાણી હતી. જેથી ઇમર્જન્સીના સમયે વાયરલેસ કોમ્યુનિકેશન સિસ્ટમનો ઉપયોગ કરી શકાય. ગ્રામ રક્ષક દળના જવાનોનો આવી સ્થિતિમાં ફરજ ઉપર લાવવા પોલીસ તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ચોમાસા દરમિયાન અતિવૃષ્ટિના કિસ્સામાં ઉપયોગમાં લઇ શકાય એવા વાહનોની તૈયાર રાખવા આરટીઓ તથા એસટી વિભાગને આ બેઠકમાં સૂચના આપવામાં આવી છે. આ ઓનલાઇન બેઠકમાં વિસ્તૃત દિશાદર્શન નિવાસી અધિક કલેક્ટર મહેશ દવે દ્વારા કરવામાં આવ્યું હતું.
રિપોર્ટ બાય: અનવર ખાન પઠાણ-દાહોદ