દાહોદ તાલુકાના ઉકરડી ગામે એક ગુટકા, પાન,મસાલાના ગોડાઉનમાં અજાણ્યા ઇસમોએ કરી ચોરી


દાહોદ તાલુકાના ઉકરડી ગામે એક ગુટકા, પાન,મસાલાના ગોડાઉનમાં ગતરોજ રાત્રીના સમયે અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી ગોડાઉનમાંથી અંદાજે ૬ થી ૮ લાખ રૂપિયાનો ગુટકા પાન મસાલાનો સામાન ચોરી કરી લઇ જતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે. હાલ કોરોના કાળમાં અને લોકડાઉનના માહોલ વચ્ચે આમે બજારોમાં ગુટકા,પાન, મસાલાના ભાવોમાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ગતરોજ દાહોદ તાલુકાના ઉકરડી ગામે ચોરીની એક ઘટનાને પગલે પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ઉકરડી રોડ પર મહાવીર નગર સ્થિત એક ગોડાઉનમાં એક વેપારીનો ગુટકા,પાન, મસાલાનો જથ્થો ભરી રાખ્યો હતો. આ ગોડાઉનમાં ગતરોજ મધ્યરાત્રિના કોઇપણ સમયે આ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી ગોડાઉનના મુખ્ય દરવાજાનું તાળું તેમજ નકુચો તોડી પ્રવેશ કર્યો હતો અને ગોડાઉનમાં ભરી રાખેલ અંદાજે ૬ થી ૮ લાખ રૂપિયાનો જંગી ગુટખા, પાન – મસાલાનો જથ્થો ચોરી કરી લઇ જતા વહેલી સવારે પોતાના ગોડાઉનમાં ચોરી થઇ હોવાની જાણ વેપારીને થતાં વેપારી સહિત લોકો ગોડાઉન તરફ દોડી આવ્યા હતા અને આ અંગેની જાણ સ્થાનિક પોલીસને પણ કરતા પોલીસ પણ સ્થળ પર આવી પહોંચી હતી. ઘટનાને પગલે પોલીસે તપાસનો ધમધમાટ આરામ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ બાય:અનવર ખાન પઠાણ –દાહોદ