દાહોદમાં કોરોના સામે પ્રતિકારક શક્તિમાં વૃદ્ધિ કરતી દવાની કિટ્સનું વિતરણ કરાયું

કોરોનાકાળમાં જરૂરતમંદ વ્યક્તિને શોધી તેમનામાં રોગપ્રતિકારક શક્તિની વૃદ્ધિ થાય એવી એક સો જેટલી કિટ્સનું વિતરણ યુનિસેફના માધ્યમથી ઇન્ફોએનાલિટિક ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું છે. આ ફાઉન્ડેશન દ્વારા રૂ. ૫૦૦ની એક એવી દવાઓની કિટ્સ તૈયાર કરવામાં આવી છે. જેમાં વિટામીન-સી, વિટામીન-ડી, ઝિન્ક, ઓઆરએસ પાઉડર અને સેનિટાઇઝરની મોટી બોટલનો સમાવેશ થાય છે. આવી કિટ્સ ઇન્ફોએનાલિટિક ફાઉન્ડેશન દ્વારા રાજ્યના મહાનગરો અને દાહોદ સહિત કુલ ૯ શહેરોમાં આવી કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. દાહોદમાં યુનિસેફના યુવાકાર્યકર આરજે શ્રી હર્ષ ભટારિયા દ્વારા જરૂરતમંદ હોય એવી વ્યક્તિને આ કિટ્સ પહોંચાડવામાં આવી હતી. કોરોનાકાળમાં સૌ નાગરિકો સામાજિક અંતર જાળવી, માસ્ક પહેરી અને સેનિટાઇઝેશનના નિયમોનું પાલન કરવાની સાથે સેવાકાર્યમાં પોતાની ભૂમિકા અદા કરે એ સમયની માંગ છે.
રિપોર્ટ બાય : અનવર ખાન પઠાણ