ઉપલેટામાં ૧૦ વર્ષની માસુમ બાળકીની થયેલ હત્યામાં હત્યારી નીકળી બાળકીની કાકી વંદનાબેન

       સબુત મિટાવવાના પ્રયાસમાં બાળકીના કાકા અને પિતાની પણ કરી ધરપકડ, ઉપલેટા શહેર અને આ શહેરની અંદર આમ તો વધારે પડતી શાંતિ જોવા મળે છે પરંતુ છેલ્લા ઘણા સમયથી આ ઉપલેટા પંથકમાં જાણે ગુનાહિત પ્રવૃત્તિઓ વધુ થતી હોય તેવી બાબતો સામે આવે છે ત્યારે ઉપલેટા શહેરમાં એક 10 વર્ષની માસુમ બાળકીની કરપીણ હત્યા કરી દેવાની ઘટના સામે આવતા સમગ્ર ઉપલેટા પંથકમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.ઉપલેટા શહેરમાં રહેતા અને વ્યવસાય અશોક શાબુ નામની દુકાનમાં ધંધો ચલાવતા ચેતનભાઇ નિમાવતની ૧૦ વર્ષની પુત્રી આયુષીનું અકસ્માતે મોત થયું હોવાની વાત સામે આવી હતી ત્યારે આ અકસ્માતે થયેલ મોતની ઘટનામાં બાળકીની માતાને શંકાઓ જતા તેમને પોલીસનો સહારો લીધો હતો અને આ અંગેની તપાસ કરાવવા માંગ કરી ઉપલેટા પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી હતી ત્યારે ઉપલેટા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
     પોલીસ ફરિયાદ બાદ ઉપલેટા પોલીસે માતા દ્વારા કરવામાં આવેલી ફરિયાદ અંગેની ઊંડાણ પૂર્વક તપાસ શરૂ કરી પુછતાછ શરૂ કરી હતી જેમાં તપાસ અને પુછતાછ દરમિયાન ઉપલેટા પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને આ માસૂમ બાળકીની હત્યામાં થઈ હોવાનું સામે આવ્યું હતું ત્યારે આ માસુમ બાળકીની હત્યાને અંજામ આપનાર બીજું કોઈ નહિ પણ માસૂમ બાળકીની કાકી જ નીકળી હોવાનું સામે આવ્યું હતું.આ હત્યાની ઘટના બાદ હત્યાની જગ્યા પર મૃત બાળકીના કાકા અને પિતા દ્વારા સબૂત મિટાવવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતુ ત્યારે પોલીસે હત્યા નીપજવનાર બાળકીની કાકી વંદનાબેન મયુરભાઈ નિમાવત તેમજ સબૂતો મીટાવવાના પ્રયાસ કરનારા બાળકીના કાકા મયુર હરસુખભાઈ નિમાવત તેમજ બાળકીના પિતા ચેતનભાઈ હરસુખભાઈ નિમાવત વિરૂદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
      ઉપલેટા પોલીસે ત્રણ વ્યક્તિઓને ઝડપી લીધા બાદ સામે આવ્યું કે બાળકીની કાકી દ્વારા બાળકીને ઉપર લઇ જઇ તેમના માથાના ભાગે ઘા મારી બાદમાં બાળકીને મેડી ઉપરથી સીડીએ ફેંકી દેવામાં આવી હતી અને આ માસુમ બાળકીનું મોત અકસ્માતના કારણે થયું હોવાનું બતાવવાના પ્રયાસ કરવામાં આવ્યો હતો.બાળકીના મોતની ઘટના બાદ બાળકીની માતા જ્યારે બીજા જ દિવસે તેમના ઘરની અગાસી પર કામથી પહોંચી હતી ત્યારે તેમનું ધ્યાન ઘટનાની જગ્યા પર પડતા ચોંકી ઉઠી હતી અને તેમને તેમના પતિ અને દિયરને આ અંગેની જાણ કરેલ હતી જેના કારણે માતાને શંકાઓ જતા તેમને બાળકીના મોત અંગે ઉપલેટા પોલીસમાં ફરિયાદ કરી હતી અને તપાસ દરમિયાન સમગ્ર મામલો સામે આવ્યો હતો અત્યારે હત્યા કરનાર બાળકીની કાકી અને સબૂત મિટાવવાના પ્રયાસ કરનાર બાળકીના કાકા અને પિતાને પોલીસે ઝડપી અને ઘટના અંગેની વધુ તપાસ અને પૂછતાછ હાથ ધરી છે. ઉપલેટા શહેરમાં એક ૧૦ વર્ષની માસૂમ બાળકીની તેમના જ કાકી દ્વારા કરપીણ હત્યા કરી દેવાયા બાદ હાલ સમગ્ર પરિવાર વેર વિખેર થઈ ગયું છે અને આવી ચોંકાવનારી ઘટના બાદ ઉપલેટા પંથકમાં આ ઘટના બાબતે ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. રિપોર્ટ બાય :-જયેશ મારડિયા ઉપલેટા