“મારું બોટાદ, નશામુક્ત બોટાદ” અભિયાનની ઉજવણીમાં બોટાદના નાગરિકોએ અભૂતપૂર્વ સહભાગિતા દાખવી

બોટાદ જિલ્લાના નાગરિકોની સુખાકારીને ધ્યાનમાં રાખી બોટાદ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી તથા જિલ્લા રોજગાર વિનિમય કચેરીના સંયુક્ત ઉપક્રમે ગત તારીખ ૨૬,જુન-૨૦૨૧ ના રોજ નશાકારક પદાર્થોનો દુરુપયોગ અને ગેરકાયદેસર વ્યાપાર વિરોધી આંતરરાષ્ટ્રીય દિવસની જિલ્લા વ્યાપી જાગૃતિ,સતર્કતા અને તકેદારીના અભિગમ સાથે અભિયાન રૂપી ઉજવણી હાથ ધરવામાં આવેલ હતી. જિલ્લાના નાગરિકો ખાસ કરીને કિશોર અને યુવાનોમાં જવાબદારીની ભાવનાઓ ઉત્તેજીત કરવા, નશાકારક પદાર્થો અને કેફી દ્રવ્યોનો દુરુપયોગ અટકાવવા તેની માંગ ઘટાડવા માટે જાગૃતિ ફેલાવવાના હેતુથી “મારું બોટાદ, નશામુક્ત બોટાદ” થીમ પર જિલ્લાના નાગરિકો માટે ઓનલાઈન વેબિનાર મારફત માર્ગદર્શન આપવામાં આવેલ હતું. આ ઉપરાંત વિધાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધા તેમજ જિલ્લામાં કાર્યરત વિવિધ સરકારી કચેરી અને સંસ્થાઓ ખાતે ફરજ બજાવતા કર્મચારીઓએ કચેરીના મુખ્ય પ્રવેશ સ્થળ પાસે સિગ્નેચર કેમ્પેઈન કાર્યક્રમ અંતર્ગત સંકલ્પ પત્ર પર હસ્તાક્ષર કરી પ્રેરક ઉદાહરણ પૂરું પાડેલ હતું. આ આયોજનમાં જિલ્લા સમાજ સુરક્ષાઅધિકારી વી.એસ.શાહ, જિલ્લા રોજગાર અધિકારી પી.કે.ત્રિવેદી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી એસ.એલ.ડવ, જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉ.રાકેશ ચૌહાણ તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમના સુરક્ષા અધિકારી ગોરધનભાઈ મેર, જીતેન્દ્રભાઈ કારેલીયાની ટીમ દ્વારા સમગ્ર સંકલન અને અસરકારક અમલીકરણ હાથ ધરવામાં આવેલ હતું.રિપોર્ટ બાય : લાલજી બોટાદ