આવનાર યુવા પેઢી તમાકુ મુક્ત બને તે માટે શાળામાંથી જ આ અંગે જનજાગૃતિ કેળવે અને ઘરના અન્ય સભ્યોને પણ વ્યસન મુક્તિ અને સમજ આપી શકે તે માટે "ટોબેકો ફ્રી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ" ટીઓએફઈઆઇ પ્રોગ્રામ અમલીકરણ વિષયક વેબીનારનું આયોજન ફેઈથ ફાઉન્ડેશન વડોદરા દ્વારા કરવામાં આવ્યું હતું. તમાકુના કારણે ૧૩.૫ લાખ લોકો દર વર્ષ મુત્યુ પામે છે. તમાકુ, પાન મસાલા અને માવા ઉત્પાદનોનો ઉપયોગ કેન્સર , કાર્ડીયો-વેસ્કયુલર રોગો અને અન્ય નોન – કમ્યુનિકેબલ રોગો (એનસીડી)નું કારણ બને છે. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા હાથ ધરાયેલ ગ્લોબલ એડલ્ટ ટોબેકો સર્વેના અહેવાલ મુજબ તમાકુનો ઉપયોગ ભારતમાં ૧૫ થી ૨૪ વર્ષની વય જુથમાં ૧૨.૪% જેટલો છે અને ચાવવાની તમાકુનો ઉપયોગ ગુજરાતમાં ૧૫ થી ૨૪ વર્ષની વય જુથમાં ૧૨% જેટલો છે. આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનના અંદાજ મુજબ કામના સ્થળે પરોક્ષ ધુમ્રપાનથી દર વર્ષે ૨ લાખ જેટલા કામદારો મૃત્યુ પામે છે. આ વેબીનારમાં ફેઈથ ફાઉન્ડેશનના પ્રોગ્રામ ડાયરેક્ટર સુઝેન સેમસન દ્વારા જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું, ત્યારબાદ આરોગ્ય વિભાગમાંથી અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જયંત.એસ. કનોરીયા દ્વારા નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામની રૂપરેખા અને સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એકટ-૨૦૦૩ અંગે ઊંડાણ પૂર્વક માહિતી આપી હતી. શિક્ષણ વિભાગમાથી નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિરી બહાદુરસિંહ.પી.રાઓલ દ્વારા આ પ્રોગ્રામ અંગે અમલીકરણ વિષયક પ્રોત્સાહક વ્યાખ્યાન આપ્યું હતું. આ વેબિનારમાં અંદાજીત 45 જેટલા બોટાદ જિલ્લાના શિક્ષણ અને આરોગ્ય વિભાગના અધિકારી, શિક્ષકો/આચાર્ય, આરોગ્ય કર્મચારીઓ જોડાયા હતા. રિપોર્ટ બાય : લાલજી બોટાદ.