માંડવીના ઢીંઢ નજીક પાણી ભરેલાં ખાડામાં અકસ્માતે ડૂબી જતાં પિતા-પુત્રીના મોત

માંડવીઃ માંડવી તાલુકાના ઢીંઢ અને નાગલપર વચ્ચે નદીના વહેણમાંથી પગપાળા પસાર થઈ રહેલાં પિતા-પુત્રીના અચાનક ખાડામાં પડીને ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યાં છે.

આજે બપોરે બારથી એક વાગ્યાના અરસામાં આ કરુણાંતિકા સર્જાઈ હતી. મરણ જનાર સાલેમામદ સુલેમાન સુમરા (ઉ.વ.60) અને તેમની દીકરી ફાતિમા (ઉ.વ.25) બેઉ જણ નાગલપર જતા હતા. નાગલપર રહેતા ફાતિમાના મામાના ઘેર બેઉ જમવા જતા હતા.

ગામની વચ્ચે નદીના વહેણમાં બનેલાં ચેકડેમમાંથી બાપ-બેટી પગપાળા પસાર થઈ રહ્યાં હતા. પાણીનું સ્તર નીચે હોઈ તેમને આગળ કાળ ટાંપીને બેઠો હોવાનો કોઈ અંદાજ નહોતો. બાપ-દીકરી અચાનક પાણી ભરેલાં દસેક ફૂટ ઊંડા ખાડામાં ખાબક્યાં હતા અને ડૂબીને મૃત્યુ પામ્યાં હતા. બનાવના ત્રણેક કલાક બાદ પરિવારજનો અને ગ્રામજનોએ બેઉની શોધખોળ હાથ ધરતાં ખાડામાંથી તેમના મૃતદેહ મળી આવ્યાં હતા. દુર્ઘટના અંગે માંડવી પોલીસ તપાસ કરી રહી છે.

રીપોર્ટ: અસઞર. આઈ. માંજોઠી કચ્છ