અદાણી ફાઉન્ડેશન – મુંદરા દ્વારા ખેડૂતોને ગાય આધારિત ખેતી માટે પ્રોત્સાહિત કરવાની પહેલ

અદાણી ફાઉન્ડેશન –મુંદરા દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે મુંદરા તાલુકાનાં મંગરા, ઝરપરા, સિરાચા, ધ્રબ, ભુજપુર મોટી, ભોરારા વગેરે ગામોમાં પ્રાયોગિક કામગીરી તરીકે ખેડૂતો ગાય આધારિત ખેતી કરતાં થાય તે માટે જાગૃતતા લાવવાની કામગીરીનો આરંભ કરવામાં આવ્યો. આ ગામોમાં ૧૦ જેટલા તાલીમ કાર્યક્રમોમાં ૧૮૦ જેટલા ખેડૂત ભાઈઓ –બહેનો સાથે ગાય આધારિત ખેતી અંગે અલગ-અલગ વિષય નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ. આ દિશામાં કામને વધારે મજબૂત બનાવવા માટે ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી-ભુજ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર –મુંદરા, રામકૃષ્ણ ટ્રસ્ટ –કુકમા અને સાત્વિક સંસ્થા વગેરે સાથે જરૂરી એમ.ઓ. યુ. કરવામાં આવેલ છે. જેથી વધારે ખેડૂતો સુધી પહોંચી શકાય. “ગાવો વિશ્વશ્ય માતરમ “ – ગાય એ વિશ્વની માતા છે. ખેતીને જીવંત રાખવા, તેની ફળદ્રુપતા વધારવા અને જીવાણુને અનુકૂળ ખોરાક પૂરો પાડવા માટે માત્ર ગાય જ એક આધાર છે. બે કે બે થી વધારે ગાયો રાખી તે ગાયનું બધુ જ છાણ –ગૌમુત્રનો ઉપયોગ કરી જીવામૃત, ઘનામૃત, ગૌકૃપા અમૃતમ, અળસિયાનું ખાતર, વર્મી વોશ, હોમ બાયોગેસમાં કેવી રીતે ઉપયોગ કરી પોતાની ખેતીને જીવંત અને સમૃદ્ધ બનાવી શકે તે અંગે તથા બદલાતા હવામાનમાં કુશળ ખેતી કેવી રીતે કરવી તેની સવિશેષ સમજણ આપવામાં આવેલ. આ સાથે આ વસ્તુઓનું નિદર્શન હાજર રહેલ ખેડૂતોને પ્રત્યક્ષ બનાવીને બતાવેલ જેથી તેઓ પોતાની રીતે બીજીવાર ઘરે બનાવી શકે.
આ તાલીમ કાર્યક્રમ દરમ્યાન ગાય આધારિત ખેતી માટે ખેડૂતોને ઘર આંગણે કુદરતી ખાતર તૈયાર કરી શકે તે માટે ખેડૂતોના ગ્રૂપ બનાવીને તાલીમ મેળવેલ ખેડૂતો પૈકી ૧૫ ખેડૂતોને જીવામૃત તૈયાર કરવા પ્લાસ્ટિકના પીપ તથા ૧૨૫ ખેડૂતોને તેની વાડીએ હોમ બાયોગેસ પ્લાન્ટ આપેલ, જ્યારે ૧૯ ખેડૂતોને અળસિયાનું ખાતર અને વર્મીવોશ માટેની કીટ આપવામાં આવેલ. ગૌકૃપા અમૃતમ બનાવવા માટે પણ એક લીટરની બોટલમાં આપવામાં આવેલ. ખેડૂતોએ પોતાની ખુશી વ્યક્ત કરતાં મંગરા ગામના ગુલાબભાઇએ જણાવ્યુ કે “અદાણી ફાઉન્ડેશન એ માત્ર વાત નહીં પણ સચોટ માર્ગદર્શન સાથે મદદ કરી જે ખેડૂતોના વધારેમાં વધારે પૈસા રસાયણિક ખાતર અને દવા પાછળ ખર્ચાય છે, તેમાથી બચવા માટે ખેડૂતો થોડી મહેનત કરી પોતાને ઘર આંગણે જ પોતાના પશુધન પાસેથી ખાતર મેળવી શકે.” જ્યારે વાસુદેવભાઈએ કહ્યું કે “ ખેડૂત જો આ ગાયને નહીં સમજે કે તેનો ખેતીને જીવંત રાખવા ઉપયોગ નહીં કરે તો ધરતી માતા આપણને માફ નહીં કરે, પણ હવે જાગ્યા ત્યારથી સવાર એમ હવે ગાયનો ખેતીમાં ઉપયોગ કરવો જરૂરી છે. આ વાતને સમર્થન આપતા વિશ્રામભાઈ ગઢવીએ કહ્યું કે ” હું બે વર્ષથી જીવામૃત વાપરું છુ, મારા કેળનો પાક અને શાકભાજીમાં ખૂબ સારા પરિણામો છે. દરેક ખેડૂતે ગાયને પોતાના આંગણે પાળીને પોતાને અને ખેતીને બચાવવી જ પડશે. “
આ તાલીમ કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર –સાડાઉ ના વિષય નિષ્ણાંતશ્રી નિલેષભાઈ પટેલે હાજર રહીને ખેડૂતોને ઘર આંગણે મળતા આ માર્ગદર્શનને ખેડૂતો સાર્થક કરે તેવી અપીલ કરી હતી. અદાણી ફાઉન્ડેશનના ડાઇરેક્ટર શ્રી ગઢવી સાહેબે આ કાર્યક્રમને ભાવિ પેઢી માટે ખૂબ અગત્યનો ગણાવી જણાવ્યુ કે “ જો ભાવિ પેઢીને સારું આરોગ્ય પ્રદાન કરવું હશે તો જમીન અને જનની બંનેને ઝેરમુક્ત અને ભયમુકત ખોરાક જ પૂરો પાડવો પડશે, જેમાં ગાય ખૂબ મહત્વની ભૂમિકા ભજવશે. એ.પી.એસ.ઈ. ઝેડ.ના એક્ઝિક્યુટિવ ડાઇરેક્ટર શ્રી રક્ષિતભાઇ શાહે કહ્યું કે “ ખેડૂતો જગતના તાત છે, અને રહેશે, તેઓ જ આપણને દિવસમાં ત્રણવાર સલામત જમવાનું પૂરું પડે છે, તેનું સન્માન અને શાન અકબંધ રહેવી જ જોઈએ. અદાણી ફાઉન્ડેશનના યુનિટ સી.એસ.આર.હેડ પંક્તિબેન શાહ ખાસ ઉપસ્થિત રહીને મહિલા ખેડૂતોની કામગીરીને બિરદાવીને જણાવ્યુ કે ગાયને માતા કહીએ છીએ તો માતાને જાણીએ, માણીએ અને ખેતીને જીવંત બનાવીએ જેમાં બહેનો ક્યાય પાછી પાની નહીં કરે તેની મને ખાત્રી છે. વર્ષને અંતે સારી ખેતી કરતાં ખેડૂતોનું ફાઉન્ડેશન દ્વારા જાહેર સન્માન કરવામાં આવશે તેમ પણ જણાવેલ. આ તાલીમોને સફળ બનાવવા માટે પ્રોજેકટ હેડ માવજીભાઇ બારૈયાના માર્ગદર્શન હેઠળ રાધુભાઈ ગોયલ, કલ્યાણભાઈ ગઢવી અને રાજુભાઇ સોલંકીએ જહેમત ઉઠાવી હતી.