ભાવનગર તા . ૨૧ ઈસ્લામી ઝલહજ મહિનાની ૧૦ મી તારીખે સમગ્ર વિશ્વના મુસ્લીમ બિરાદરો ઇદ ઉલ - ઈઝહા ( બકરી ઈદ ) નો તહેવાર ઉત્સાહ અને ઉમંગભેર ઉજવે છે તે મુજબ આજે ભાવનગર શહેર જીલ્લામાં ઇદ - ઉલ - ઇઝહા નો તહેવાર ઉજવવામાં આવ્યો હતો . હાલની કોરોના મહામારીને ધ્યાને લઈ ઇદની ઉજવણી મુસ્લીમ બીરાદરોએ સાદગી પુર્ણ રીતે કરી હતી . ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં આવેલ ઇદગાહ માં ૮ થી ૧૦ મુસ્લીમ બિરાદરોએ ઈદની ખાસ નમાઝ અદા કરી હતી તે જ રીતે શહેર જીલ્લાના તમામ મુસ્લીમ બિરાદરોએ વ્હેલી સવારે ઇદની નમાઝ અદા કરી એકબીજાને ઇદની મુબારકબાદી પાઠવી હતી . અત્રે ઉલ્લેખનીય છે કે આ ઇદને ઇદ - ઉલ - અઝહા , ઇદુદોહા , કુરબાનીની ઇદ , બકરીઇદ , પણ કહેવામાં આવે છે . ઈસ્લામના મહાન પયગંબર ઇબ્રાહીમ અલૈહીસ્સલામ અને તેમના વ્હાલાસોયા લખતે જીગર પુત્ર હઝરત ઈસમાઈલ અલૈહીસ્સલામ ની યાદમાં આ ઈદ ઉજવવામાં આવે છે . તેજ રીતે આ ઝલહજના મહિનાની ૧૦ મી તારીખે મુસ્લીમ સમાજ દ્વારા હજ પુર્ણ થઈ જાય તેની ખુશીમાં પણ આ ઈદ મનાવવામાં આવે છે . આ દિવસે મુસ્લીમ બિરાદરો કબ્રસ્તાનમાં જઇ પોતાના સગાસંબંધીઓ મહુમોની કબરો ઉપર ફુલ ચડાવી , ફાતિહા પઢી ખાસ દુવાઓ કરી હતી . તેમજ પોતાના ઘરમાં ખીર કુરમો , પુરી સહિતની મીઠાઈ બનાવી એકબીજા પરિવારજનો વચ્ચે આપ - લે કરી હતી અને ઇદની મુબારકબાદી પાઠવી હતી . ઇદના પવિત્ર તહેવારના દિવસે આર્થિક રીતે સધ્ધર લોકોએ ગરીબ , લાચાર , મોતા , યતીમ , વિધવા બહેનોને આર્થિક સહાય પણ કરી હતી અને ઇદના હકકદાર માસુમ બાળકોને ઇદી રૂપી ભેટ , સોગાદ પણ આપી હતી . આજે ઈદના દિવસે હિન્દુ બિરાદરોએ પણ મુસ્લીમ બિરાદરોને ઈદની મુબારકબાદી પાઠવતા કોમી એક્તા અને ભાઇચારાના દર્શન થયા હતા . વ્હેલી સવારથી જ રૂબરૂ તથા વોટ્સએપ મેસેજ અને સોશ્યલ મીડીયા દ્વારા એક બીજાએ ઇદની મુબારકબાદી પાઠવી હતી . હાલની કોરોના મહામારીને ધ્યાને રાખી ઇદની ઉજવણી સાદગીરૂપે કરવામાં આવી હતી . તમામ મજીદો તેમજ મુસ્લીમ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત અને પોલીસ પેટ્રોલીંગ પણ વ્હેલી સવારથી ગોઠવાયુ હતુ . કોરોનાને ધ્યાને લઈ હરવા ફરવાના સ્થળે કોઇ લોકો મોટી સંખ્યામાં એકઠા થયા ન હતા તેમજ ઘોઘા બંદરે પણ લોક મેળો યોજાયો ન હતો . આજે ભાવનગર શહેરના મુસ્લીમ સમાજના આગેવાનો કસ્બા પ્રમુખ મહેબુબભાઇ શેખ , ઈકબાલભાઈ આરબ , કાળુભાઇ બેલીમ સહિતનાઓએ તમામ બિરાદરોને ઇદની મુબારકબાદી પાઠવી હતી.