મુખ્યમંત્રી દ્વારા ૦૧/૧૦/૨૦૨૦ ના રોજ ગુજરાતના યુવાધનને યોગ તથા શારીરિક સશક્ત બનાવવાના હેતુથી વર્તમાન મોબાઈલ ટેકનોલોજીના વપરાશ સાથેના અભિગમથી મોબાઇલ ટૂ સ્પોર્ટ્સના અભિયાનની નવતર પહેલ કરી છે. હાલના કોરોના (કોવિડ-૧૯)ની મહામારીના વિષમ સંજોગોમાં ફેસબૂક, વ્હોટ્સ એપ, ઇન્સ્ટાગ્રામ તથા વીડીઓ ગેઇમ્સ જેવી પ્રવૃત્તિઓમાં અત્યંત કિમતી સમય વેડફાતા યુવાધનને હકારાત્મક રીતે ક્રિયાશીલ કરવા રમતગમતની પ્રવૃત્તિઓ તરફ આકર્ષિત કરવા એ સમયની જરૂરિયાત છે. યુવાધનનો શારીરિક અને માનસિક વિકાસ ઉત્તમ રીતે થાય તે હેતુથી સરકારએ વર્ષ-૨૦૨૦-૨૧ દરમિયાન મોબાઇલ ટુ સ્પોર્ટ્સની નવી યોજના મંજૂર કરેલ છે. આ યોજનાને મોબાઇલ ટૂ સ્પોર્ટ્સ ફેસબુક પેજ, યુ ટ્યુબ ચેનલ, રેડિયો ક્વિઝ, ટેલિવિઝન તેમજ સોશિયલ મીડિયા સંબંધિત માધ્યમો દ્વારા ખ્યાતનામ ખેલાડીઓની વિગતો, ઓડિયો/ વિડિયો કલીપ રજૂ કરી યુવાનોને રમતગમતની પ્રવૃત્તિઓ માટે પ્રેરણાસહ આકર્ષિત કરવામાં આવશે.
આ હેતુને સુચારુ રૂપે પાર પાડવા રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીઓ દ્વારા સંયુક્ત રીતે ગાયન(સુગમ સંગીત, લગ્નગીત, શાસ્ત્રીય કંઠ્ય સંગીત (હિન્દુસ્તાની), લોકગીત/ભજન સ્પર્ધાનું) આયોજન કરેલ છે. જેમાં જુદા જુદા વયજુથ પ્રમાણે કલાકારો ભાગ લઈ શકશે. જેમાં 6 થી 14 વર્ષ સુધીના, 15 થી 20 વર્ષ સુધીના, 21 થી 59 વર્ષ સુધીના તેમજ 60 વર્ષથી ઉપરના ઓપન વયજુથમાં ભાગ લઈ શકશે. ઉક્ત સ્પર્ધા માટે નિયત નમૂનાનું ફોર્મ ભરી અને સ્પર્ધાની વિડિયો ક્લિપ ની સી.ડી/પેનડ્રાઈવ તૈયાર કરી તા.૧૭/૦૮/૨૦૨૧ સાંજે ૦૬:૦૦ કલાક સુધીમાં ભુજ-કચ્છ જીલ્લામાં આવેલ જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી રૂમ નં.૪૧૧, ત્રીજો માળ, બહુમાળી ભવન, ભુજ ખાતે મોકલવાનું રહેશે. જિલ્લાકક્ષાની સ્પર્ધામાં પ્રથમ વિજેતાને રૂ. ૧,૦૦૦/-, દ્વિતીય વિજેતાને રૂ. ૭૫૦/- તેમજ તૃતીય વિજેતાને રૂ. ૫૦૦/- ઈનામ આપવામાં આવશે. રાજ્યકક્ષાની સ્પર્ધા માટે ૧૦ વિજેતા કલાકારોની પસંદગી થશે, તેઓ પૈકી પ્રથમ વિજેતાને રૂ.૨૫,૦૦૦/- , દ્વિતીય વિજેતાને રૂ.૧૫,૦૦૦/-, તૃતીય વિજેતાને રૂ. ૧૦,૦૦૦/- એમ ત્રણ ઇનામો અને બાકીના અન્ય સાત વિજેતાઓને રૂ.૫,૦૦૦/-(પ્રત્યેકને) મુજબ આશ્વાસન ઇનામો આપવામાં આવશે. ઇનામની રકમ આરટીજીએસ દ્વારા જેતે વિજેતા કલાકારના બેંક ખાતામાં જમા કરવામાં આવશે તેવું જિલ્લા યુવા વિકાસ અધિકારી, કચ્છ-ભુજ દ્વારા જણાવાયું છે.