જ્ઞાન શકિત દિન નિમિતે કચ્છમાં આજે ૨૧૦ કાર્યક્રમ કરાશે

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની રાજય સરકારના સુશાસનના પાંચ વર્ષ નિમિતે યોજાનારા કાર્યક્રમ હેઠળ ૧લી ઓગષ્ટે યોજાનાર જ્ઞાનશકિત દિન નિમિતે કચ્છ જિલ્લામાં ૨૧૦ કાર્યક્રમો યોજાનાર છે. ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજા ક્રાંતિગુરૂ કચ્છ યુનિવર્સિટી ખાતે યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને અતિથિવિશેષ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ તથા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા મહાત્મા મંદિર ગાંધીનગર ખાતેથી થનાર ઈ-લોકાર્પણ અંતર્ગત રાપર તાલુકાના સોમાણીવાંઢ પ્રાથમિક શાળા ખાતે અંદાજે રૂ.૨૬ લાખના ખર્ચે નવનિર્મિત ત્રણ વર્ગ ખંડોનું જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા અને ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીની હાજરીમાં લોકાર્પણ કરાશે. રાપરના બાલાસર ખાતે અંદાજે રૂ.૬૫૦ લાખના ખર્ચે નવનિર્મિત મોડેલ ડે શાળાનું માંડવી ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા તેમજ તાલુકા પંચાયત પ્રમુખ હમીરસંગ સોઢાની હાજરીમાં લોકાર્પણ કરાશે. 
ઉલ્લેખનીય છે કે, મોડેલ ડે સ્કુલ બાલાસર માટે બે એકર જમીન દાનમાં આપનાર વાઘાભાઇ ડોસાભાઇ ઠોસ પરિવારનું સન્માન કરાશે. ભચાઉ તાલુકાની મનફરા પ્રા.શાળા ખાતે રૂ.૬૦ લાખના ખર્ચે નવનિર્મિત ૭ વર્ગ ખંડોનું ભુજ ધારાસભ્યશ્રી ડો.નીમાબેન આચાર્ય અને તાલુકા પંચાયત પ્રમુખ મઘીબેન વાવીયાની હાજરીમાં ઈ-લોકાર્પણ કરાશે. નખત્રાણા તાલુકાના ખોંભડી મોટી ખાતે અંદાજે રૂ.૧૦૦ લાખના ખર્ચે નવનિર્મિત માધ્યમિક શાળાનું ઈ-લોકાર્પણ અબડાસા ધારાસભ્યશ્રી પ્રધ્યુમનસિંહ જાડેજા તેમજ તાલુકા પંચાયત પ્રમુખ જયસુખ પટેલની હાજરીમાં કરાશે. શિક્ષણમાં ટેકનોલોજી આધારિત ડિજીટલ શિક્ષણની પહેલરૂપ સ્કુલ ડીઝીટલાઈઝેશનના કાર્યક્રમ અંતર્ગત સ્કુલના વર્ગખંડોમાં પ્રોજેકટર, લેપટોપ, સ્પીકર, સ્માર્ટ ઈન્ટરેકિટવ બોર્ડથી શીખવવાની પ્રક્રિયા હેઠળ અમલી જ્ઞાનકુંજ પ્રોજેકટ અંતર્ગત જિલ્લામાં ૧૩૪ શાળામાં જ્ઞાનકુંજ પ્રારંભ કરાવાશે. ૩૦ સ્કુલોમાં આઈસીટી લેબ, ૧૮ સ્કુલોમાં વર્ગખંડોનું ખાતમૂહુર્ત અને ૨૩ સ્કુલોમાં વર્ગખંડોનું લોકાર્પણ વિવિધ મહાનુભાવગોના હસ્તે કલેકટર પ્રવિણા ડી.કે.ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવશે તેવું જિલ્લા શિક્ષણાધિકારી ડો.બી.એન.પ્રજાપતિ દ્વારા જણાવાયું છે.