ગાંધીનગરઃ ગુજરાત સરકારે બિન અનામત વર્ગો માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકાર અનામત વર્ગની જેમ બિન અનામત વર્ગના લોકોને પ્રમાણપત્ર આપશે. બિન અનામત વર્ગોને રાજ્ય સરકાર શૈક્ષણિક અને આર્થિક યોજનાઓના લાભ માટે બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર આપશે. પ્રમાણપત્ર આપવાની સત્તા તાલુકા વિકાસ અધિકારીથી લઈ ક્લેક્ટર કક્ષાના અધિકારીઓને સોંપવામાં આવી છે.
રાજ્ય સરકારે ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની રચના કરી છે જે યોજનાના લાભો બિન અનામત વર્ગની જ્ઞાતિઓને આપવા માટે પ્રમાણપત્ર આપવામાં આવશે જેનાથી આ પ્રમાણપત્રો નિગમની યોજનાનો લાભ લેતા સમયે જોડવાનો રહેશે.
બિન અનામત આયોગ દ્વારા તાજેતરમાં જ સરકારને ભલામણ કરાઈ હતી કે, જીપીએસસીની પરીક્ષામાં બેસવા માટે સવર્ણો માટે પણ વયમર્યાદા વધારવામાં આવે, તેમજ એસસીએસટી સ્ટૂટન્ડ્સ માટે બનાવાયેલી સમરસ હોસ્ટેલમાં જો જગ્યા ખાલી પડે તો સવર્ણોને પણ પ્રવેશ અપાય. આ સિવાય પણ આયોગ દ્વારા ઘણી ભલામણ કરવામાં આવી છે.
સમગ્ર ગુજરાત રાજયમાં બિન અનામત વર્ગોની જરૂરિયાતને જાણવા માટે રાજય સરકાર તરફથી દરેક જિલ્લામાં સર્વે કરાવવામાં આવશે. જેના માટે દરેક જિલ્લામાંથી વિવિધ પ્રકારના ૫૦૦-૬૦૦ જેટલા સેમ્પલ લેવામાં આવશે. આ ઉપરાંત, બેથી ચાર ટકાના દરે એજ્યુકેશન લોન, વિદેશ અભ્યાસ માટે લોન આપવા પણ વિચારણા હાથ ધરાઇ રહી છે. આ તમામ બાબતોનો એક રિપોર્ટ બનાવીને બિન અનામત આયોગ સરકારને સુપરત કરશે, અને ત્યાર બાદ તેના પર પગલાં લેવાશે.