જિલ્લાના વિવિધ વિભાગની યોજનાઓની અમલવારી તેમજ પ્રગતિ અંગે કરી ચર્ચા-વિચારણા


ભુજ , ગુરૂવારઃ
આજરોજ કચ્છ પ્રભારી સચિવ હર્ષદકુમાર પટેલના અધ્યક્ષસ્થાને કચ્છ જિલ્લાના વિવિધ વિભાગોના વિકાસ કામોની સમીક્ષા બેઠક યોજાઇ હતી. કચ્છમાં બાર જેટલા પ્રગતિ હેઠળના પ્રકલ્પો અને વિવિધ વિભાગો હેઠળની યોજનાઓની અમલવારી અને પ્રગતિ અંગેની સમીક્ષા બેઠક કલેકટર-કચેરી, ભુજ ખાતે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના વહીવટી સંચાલક તેમજ કચ્છ પ્રભારી સચિવ હર્ષદકુમાર પટેલના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. જિલ્લામાં કાર્યરત અગત્યના પ્રોજેક્ટ્સમાં સ્મૃતિવન, રિન્યુએબલ એનર્જી પાર્ક અંગેનો પ્રગતિ અહેવાલ મેળવી બાકી કામ ઝડપી પૂર્ણ કરવા સૂચના આપી હતી. પાણી પુરવઠા યોજના અંગે વિગતવાર અહેવાલ પરથી કચ્છમાં વરસાદ ખેંચાય તો તે અંગે સંપૂર્ણ પૂર્વતૈયારી કરી લેવા જણાવ્યું હતું. ડિસેલીનેશન પ્લાન્ટ, વીરબાળ ભૂમિ સ્મારક, પ્રાદેશિક સાયન્સ મ્યુઝિયમ વગેરેમાં કામગીરી ઝડપી કરવા તેમજ ટાઇમલાઈનને ફોલો કરી સંકલન જાળવી રાખવા સૂચન કર્યું હતું. નેશનલ હાઇવે પ્રોજેકટમાં રસ્તા તેમજ બ્રિજ બનાવતી વખતે ડ્રેનેજની યોગ્ય વ્યવસ્થા કરવા તાકીદ કરી હતી તેમજ ઘડુલી-સાંતલપુર રોડ બાબતે પાણીના નિકાલ માટે વાસ્તવિકતાને ધ્યાનમાં લઈને પ્લાન પર કામગીરી કરવા જણાવ્યું હતું. ધોળાવીરા ખાતે બસની વ્યવસ્થા સહિતની માળખાગત સુવિધાઓ અંગે પ્લાન તૈયાર કરવા જણાવ્યું હતું તેમજ માતાનામઢના વિકાસ કામો અંગેનો ડી.પી.આર. સ્થાનિક લોકો સાથે પરામર્શ બાદ તૈયાર કરવા સૂચના આપી હતી. કોરોનાની સંભવીત ત્રીજી લહેરની પૂર્વતૈયારી સંબંધિત કઈ-કઈ સુવિધા ઉભી કરવામાં આવી છે, કેટલા બેડની વ્યવસ્થા કરવામાં આવી છે તે ઉપરાંત રસીકરણની વિગતો મેળવી રસીકરણમાં વધુ ઝડપ લાવવા, જ્યાં સારી કામગીરી થઇ હોય ત્યાંના પ્લાનીંગને અનુસરવા જણાવ્યું હતું. જિલ્લામાં કાર્યરત વિવિધ વિભાગો જેવા કે ગ્રામ વિકાસ એજન્સી, જિલ્લા આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ, સમાજ સુરક્ષા વિભાગ, મહિલા અને બાળ કલ્યાણ, વિભાગ પાણી અને પુરવઠા વિભાગ, મધ્યાહન ભોજન યોજના, ખેતીવાડી વિભાગ, બાગાયત વિભાગ, પીજીવીસીએલ, એસ.ટી.વિભાગ, રોજગાર વિભાગ, મત્સ્યોદ્યોગ વિભાગ, અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ, સમાજ કલ્યાણ વિભાગ તેમજ નગરપાલિકા સંબંધિત વિવિધ યોજનાઓની અમલવારી તેમજ પ્રગતિ અંગે ચર્ચા-વિચારણા કરી હતી. આ ઉપરાંત કાયદો અને વ્યવસ્થા, ગુડ ગવર્નન્સ, ડિજિટલ સેવા સેતુ, વિલેજ પ્રોફાઈલ તેમજ વરસાદ અને ઘાસચારાની સ્થિતિ, પ્રવાસન ક્ષેત્રનો વિકાસ વગેરે મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા કરી હતી.
આ બેઠકમા નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હનુમંતસિંહ જાડેજા, પશ્ચિમ-કચ્છ પોલિસ અધિક્ષક સૌરભ સિંઘ, પૂર્વ-કચ્છ પોલિસ અધિક્ષક મયુર પાટીલ તેમજ ભુજ પ્રાંત અધિકારી અતિરાગ ચપલોત સહિત તાલુકા/જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.