ગાંધીધામમાં બિહારી શખ્સ એક કિલો ગાંજા સાથે ઝડપાયો
 
                
દેશના ઇતિહાસમાં પ્રથમવાર કચ્છના મુન્દ્રા બંદર પર અફઘાનિસ્તાન વાયા ઈરાનથી ઘુસાડવામાં આવેલો કરોડોની કિંમતનો હેરોઇનનો જથ્થો પકડાયા બાદ,હરકતમાં આવેલી તપાસ એજન્સીઓ દ્વારા રોજબરોજ કચ્છના અલગ અલગ સ્થળોએથી ચરસ-ગાંજા પકડી રહી છે. છેલ્લા ત્રણ દિવસ દરમ્યાન 15થી 16 કિલ્લો ગાંજાનો જથ્થો પકડાઈ ચુક્યો છે.એક કિસ્સામાં કચ્છ ભાજપના શહેર યુવા ભાજપના મંત્રી તરીકે નિયુક્ત થયેલા મહાદેવ ભારથી ગોસ્વામીની સંડોવણી ખુલતાં ભારે ચકચાર ફેલાઈ હતી ત્યારે ફરી પંચરંગી શહેર ગાંધીધામના રેલ્વે ગુડ્ઝ ઓવરબ્રીજ પાસે એક બિહારી શખ્સને રૂ.10 હજારની કિંમતના ગાંજા સાથે પકડી લેવામાં આવ્યો છે. આ અંગે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઇ ડી.બી.પરમારે વિગતો આપતાં જણાવ્યું હતું કે, ગત રવિવારે મળેલી પૂર્વ બાતમી અનુસાર મુળ બિહારનો,હાલે મુન્દ્રા રહેતો ઉમેશ લખન મંડલ ગાંજો લઇને વેંચાણ કરવા માટે કંડલા કાર્ગો તરફ જતા સર્વિસ રોડ પરથી ગાંધીધામ તરફ જઈ રહ્યો હતો ત્યારે તેને ઉભો રાખી તલાસી લેતાં ગાંજો હોવાની શંકા જતાં આ પદાર્થનો એફએસએલ રીપોર્ટ કરાવ્યો હતો જેમાં આ પદાર્થ ગાંજો હોવાનું પ્રમાણિત થતાં ઉમેશ લખન મંડલને રૂ.9,990 ની કિંમતના 0.990 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે પકડી તેના પાસેથી રૂ.1,000 ની કિંમતનો મોબાઇલ, રૂ.500 રોકડા તેમજ આધાર કાર્ડની ઝેરોક્ષ સહિત કુલ રૂ.11,490 નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ માટે બી-ડિવિઝન પોલીસને સોંપ્યો હતો.
 
                                         
                                        