ગાંધીધામના એક આરોપીએ પોલીસ સ્ટેશનના બીજા માળથી ઝંપલગાવતા બ્રેઈન હેમરેજ થયું

ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે બાઇક ચોરીના ગુનામાં પકડાયેલા આરોપીની પુછપરછ દરમિયાન અચાનક આરોપીએ ઇન્ટરોગેશન રૂમમાંથી ભાગી જઈ, બીજા માળેથી ઝંપલાવી દેતાં તેને હેમરેજ થઇ જતાં ચકચાર મચી ગઈ છે. આ અંગે એ-ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર એમ.એમ.જાડેજાએ જણાવ્યું હતું કે, વાવાઝોડા ઝૂંપડા વિસ્તારમાં રહેતા દામજી મીઠુભાઇ સીજુને તા.16/8 ના ઝંડા ચોકમાંથી ચોરાયેલી બાઇકની ફરિયાદ નોંધાયા બાદ સીસી ટીવી કેમેરામાં ઓળખાતાં બાઇક ચોરીના ગુનામાં પકડી લીધો હતો. કોરોના ટેસ્ટ બાદ વીધીવત ધરપકડ બાદ સાંજે એ-ડિવિઝન પોલીસ મથકના ઉપરના માળે પકડાયેલા રામજીની પુછપરછ પીએસઆઇ દ્વારા કરવામાં આવી રહી હતી તે દરમિયાન દામજી અચાનક ત્યાંથી ભાગ્યો હતો અને પોલીસ મથકના પહેલા માળેથી ઝંપલાવી દીધું હતું. દામજીને ઉપરથી નીચે પટકાતાં માથામાં હેમરેજ જેવી ગંભીર ઇજા પહોંચી છે. અચાનક આવી ગંભીર ઘટના બનતાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને દોડધામ મચી ગઈ છે. હાલ ઇજાગ્રસ્ત આરોપી દામજીને ગાંધીધામની સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો છે. ઘટના બાદ દામજી પર પોલીસે કસ્ટોડિયલ ટોર્ચર કર્યું હોવાના સંદેશા વહેતાં થયાં હતા. તેના પરિવાર સહિત સમાજના લોકોએ પોલીસ મથકે વિરોધ-રજૂઆત કરવા દોડી જઈ પૂરાવા માગ્યાં હતા. પોલીસે તેમને સીસીટીવી ફૂટેજ અને ફરિયાદની કોપી બતાવતાં મામલો થોડો શાંત પડયો હતો. આ ઉપરાંત દામજીએ શનિવારે સાંજે પણ પોલીસ મથકમાં પોતાને ઈજા પહોંચાડવા પ્રયાસ કર્યો હતો. ફૂટપટ્ટી કે કાતર જેવા તીક્ષ્ણ સાધનથી તેણે ગળા પર ઈજા કરવા પ્રયાસ કર્યો હતો. જેમાં તેને સામાન્ય ઉઝરડો થયો હતો. બનાવ અંગે પોલીસે વિધિવત્ નોંધ કરી તેના સ્વજનોને આ અંગે જાણ પણ કરી હતી.
પોલીસના મારથી ડરીને તેણે મરવાનો પ્રયાસ કર્યો છે કે ભાગવા માટે ઝંપલાવી દીધું એ તપાસનો વિષય હોવાનું તપાસકર્તાએ ઉમેર્યું હતું.