રાજકોટમાં આવેલી રિયા પોલિમર્સ નામની કંપનીમાંથી 100 કરોડના બોગસ બિલિંગ ઝડપાયું

રાજકોટમાં આવેલી રિયા પોલિમર્સ નામની કંપનીમાંથી 100 કરોડના બોગસ બિલિંગનો પર્દાફાશ થતાં વેપારીની ધરપકડ કરવામાં આવી હતી. રિયા પોલિમર્સ અને રિયા પ્લાસ્ટિક નામની કંપની બનાવી પરેશ ધામેલિયા નામનો ધંધાર્થી છેલ્લા એક વર્ષથી આ ગોરખધંધા આચરી રહ્યાનું જાણવા મળી રહ્યું છે. બીજી બાજુ પરેશ ધામેલિયા પાસેથી જીએસટીના બોગસ બિલ લેનાર સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ મુળ ધોરાજીના અને હાલ રાજકોટમાં રહેતાં પરેશ ધામેલિયાએ 100 કરોડના બોગસ બીલ બનાવી તેના પરથી 20 કરોડની ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લેતાં તેનો આ ગોરખધંધો જીએસટી વિભાગના ધ્યાને આવી જતાં તેની ધરપકડ કરી જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે. પરેશ ધામેલિયા તેની બે ફર્મ રિયા ઈન્ટરનેશનલ અને રિયા પોલીમર્સ મારફતે આ ગોરખધંધો આચરી રહ્યો હતો. ધામેલિયા દ્વારા પ્લાસ્ટિક સ્ક્રેપ અને પ્લાસ્ટિકના દાણાના વેપારના બિલો બનાવવામાં આવી રહ્યાનું અધિકારીઓએ જરાવ્યું હતું. અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી કે પરેશ ધામેલિયા પાસેથી ધોરાજી, ઉપલેટાના વેપારીઓ દ્વારા બોગસ બિલો ખરીદવામાં આવ્યા હોઈ શકે છે એટલા માટે હવે તેમને શોધીને આકરી કાર્યવાહી કરવામાં આવશે.