‘ગુલાબ’ની અસર હેઠળ કચ્છના છ તાલુકાઓમાં ધોધમાર વરસાદ

આંધ્ર પ્રદેશના સાગરકાંઠે ત્રાટકેલું ગુલાબ વાવાઝોડું નબળું પડ્યા બાદ,હવાના હળવા દબાણમાં ફેરવાઈને મહારાષ્ટ્ર-ગુજરાત થઈને પર્શિયન ગલ્ફ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે તેની અસર હેઠળ કચ્છમાં પણ સમી સાંજથી વરસાદનો વધુ એક ભાદરવી રાઉન્ડ શરૂ થવા પામ્યો છે. સોમવારની સાંજે દક્ષિણ-પૂર્વ દિશાએથી ક્યૂમ્બોલિમબ્સ વાદળોની ફોજે થોડી વારમાં ભુજને ઘેરી લીધું હતું અને ભારે મેઘગર્જના અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદનું જોરદાર ઝાપટું પડતાં શહેરના નિંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. દોઢ ઇંચ જેટલો વરસાદ ભુજમાં નોંધાયો છે. કચ્છના અન્યત્ર વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ પડી ચુક્યો છે પણ ભુજને હજુ વરસાદની પ્રતીક્ષા છે,વળી ભુજનું હમીરસર તળાવ પણ હજુ ભરાયું નથી. સાંજે ઉભા થયેલા અદભુત વરસાદી માહોલને પગલે ભુજમાં ભારે વરસાદની આશા એકંદરે ઠગારી નીવડવા પામી હતી. ભુજ ઉપરાંત નખત્રાણા,ભચાઉ,ગાંધીધામ અને અંજારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે.અંજારમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાપર,ગાંધીધઆમ, અંજાર, મુન્દ્રા, ભુજ, માંડવી અને અબડાસામાં એક થી દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. પૂર્વ કચ્છના રાપરમાં પડેલા વરસાદમાં ગેલી વાડી, અયોધ્યા પુરી, દેના બેંક ચોક સહિતના વિસ્તારોમાં પાણી વહી નીકળ્યા હતા અને 1 ઇંચ જેટલું પાણી પડી ગયું હતું. જ્યારે તાલુકાના આડેસર, હમીરપર, વાનોઈ વાંઢ વિસ્તારમાં પણ વરસાદ પડ્યો હતો. દરમ્યાન હવામાન ખાતાની આગાહી પ્રમાણે હજુ આગામી 5 દિવસ કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.