લખપતના પીઢ લેખકને પ્રવાસન તંત્રના વિકાસમાં વિશેષ યોગદાન બદલ પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરાયો

ગાંધીનગર ખાતે યોજાયેલા ગુજરાત ટ્રાવેલ એન્ડ ટૂરિઝમ એક્સેલેન્સ એવોર્ડ સમારોહમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લખપતના પીઢ લેખકને પ્રવાસન તંત્રના વિકાસમાં વિશેષ યોગદાન બદલ પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરાયો હતો. લખપતના ઓસમાણ નોતિયારે પશ્ચિમ કચ્છમાં લખપત, સિયોતની બૌદ્ધગુફા સહિતના અન્ય પ્રવાસન સ્થળોનો વિકાસ થાય, માળખાગત સુવિધા વિકસે તે માટે રાજ્ય સરકારમાં વખતો વખત રજૂઆત કરી છે. તેમના પ્રયાસો થકી લખપતમાં પ્રવાસન રિસોર્ટ પણ બનાવાયું હતું. કચ્છમાં હેરિટેજ કલ્ચર, વાઇલ્ડ લાઇફ ઇકો ટૂરિઝમનો વિકાસ થાય તે માટે ઓસમાણ નોતિયારે કરેલા પ્રયાસની કદર કરી ગુજરાત સરકારે આ પ્રતિષ્ઠિત એવોર્ડથી નવાજ્યા તે બદલ નોતિયારે આભારની લાગણી વ્યક્ત કરી પ્રવાસનના માધ્યમથી તેમણે રાષ્ટ્રની સેવા કર્યાનો અહોભાવ વ્યક્ત કર્યો હતો. કચ્છમાં રાષ્ટ્રીય કક્ષાની વાઇલ્ડ લાઇન કોન્ફરન્સના આયોજનમાં પણ નોતિયાર મહત્ત્વની ભૂમિકા ભજવી ચૂક્યા છે. એવોર્ડ સમારોહમાં મુખ્યમંત્રીની સાથે પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદી, પ્રવાસન રાજ્યમંત્રી અરવિંદ રેયાવત, પ્રવાસન સચિવ હારિત શુકલા, એમ.ડી. જેનુ દેવન, અભિનેતા મિલિંદ સોમન, જય ભાનુશાલી, ગાયિકા ગીતાબેન રબારી સહિત ઉપસ્થિત રહ્યા હતા. તેમના પુત્ર લિયાક્તઅલી નોતિયાર પણ ગુજરાતના સર્વશ્રેષ્ઠ ગાઇડની સૂચિમાં સમાવિષ્ટ થયા હતા.