અમેરિકા અને બ્રિટનના નાગરિકોને છેતરનાર ધાર્મિક પાબારી 3 દિવસના રિમાન્ડ પર

અમેરિકા અને બ્રિટનના નાગરિકો છેતરનાર ધાર્મિક રસિકભાઈ પાબારી (ઉ.વ.24, રહે.પટેલ કોલોની, અપૂર્વ રેસિડેન્સી સામે જામનગર, હાલ રખડતો)ને રાજકોટ રૂરલ એસઓજીની ટીમે દબોચી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેના 3 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. કડકડાટ ઈંગ્લીશ બોલતા આ નકલી પીએસઆઈએ વિદેશી નાગરિકો પાસેથી લાખો ડોલર ખંખેરી લીધા હોવાની શક્યતાથી વધુ તપાસ હાથ ધરાઈ છે. ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ તરીકે ઓળખ આપી લોકોને એક વ્યક્તિ છેતરતો હોવાની ફરિયાદો સામે આવ્યા બાદ રાજકોટ રેન્જ આઈજી સંદીપસિંહ અને રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાના માર્ગદર્શનમાં રૂરલ એસઓજીના પીઆઈ અજયસિંહ ગોહિલ અને તેમની ટીમે આ નકલી આરોપીને જામનગર રોડ પરની ટીજીબી હોટલ પાસેથી દબોચી લીધો છે. તેની પાસેથી મોબાઈલ, લેપટોપ, ઓળખના પુરાવા સહિત રૂ.41 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જેતપુરના એક ફરિયાદીએ સાયબર ક્રાઈમ પોર્ટલ પર અરજી કરેલી જેમાં જણાવ્યું હતું કે, ગત. તા.3/9/2021 ના ફોન આવેલ અને રાજકોટ ગ્રામ્ય એલસીબી ના પી.એસ.આઈ.જયદિપસિંહ પરમાર બોલુ છુ તમારા દિકરા અભયના ફેસબુક આઈડી ઉપરથી એક મહીલાના બીભત્સ ફોટા મોકલેલ હોવાની ફરિયાદ આવેલ છે તેમ જણાવી વિશ્વાસમાં લઈ તેમજ ડરાવી ફરિયાદી સાથે ફોન પર વાત કરી તેમના ફેસબુકના પાસવર્ડ મેળવી લઈ તે ફેસબુક આઈડી – પાસવર્ડ વડે તીનપતી ગેમમાં લોગીન થઈ તીનપતિ ગેમના ફરિયાદીના સાડા ચારસો કરોડ ચીપ્સ ટ્રાન્સફર કરી લીધા હતા. જે અરજી પરથી જેતપુર પોલીસે ગુનો દાખલ કરેલો. બાદમાં એસઓજીએ આ આરોપીને દબોચી લીધો છે. આરોપીએ ગુજરાત સહીત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, પંજાબ, રાજસ્થાન, હરિયાણા તથા અન્ય રાજ્યોના લોકો તથા યુએસએ તથા યુકે ના નાગરીકોને ફોન પર અલગ – અલગ પધ્ધતીથી છેતરપીંડી કરી આશરે કુલ રૂ.41,00,000ની કમાણી કરી છે. આરોપી વર્ષ 2016 માં રાજકોટના રૈયારોડ પર હનુમાનમઢી પાસે શ્યામ હાઉસ બીલ્ડીંગમાં યુ.એસ.ના શેર માર્કેટના ટ્રેડીંગના કોલસેન્ટરની આડમાં તેના પિતરાઈ મયંક બદયાણી (રહે.દીલ્હી)ના કોલ સેન્ટરમાં કામ કરતો હતો અને ત્યાંથી અમેરિકી નાગરિકોને અમેરિકાના સરકારી વિભાગનો ટેક્સ કર્મચારી હોવાનું કહીં ટેક્સ નહીં ભરો તો વોરન્ટ નીકળશે તેમ કહીં ડોલર ખંખેરતા હતા.
એ જ રીતે એક વર્ષ પહેલા ગુડગાવ – દિલ્હી હાઈવે પર ઉદ્યોગ વિહાર 4 માં જસ્ટ ઓફીસ નામની જગ્યાએ મયંક બદયાણીએ યુનાઈટેડ કીંગડમ (લંડન)ના નાગરીકોને છેતરવાનુ કોલ સેન્ટર ચાલુ કર્યું હતું જેમાં આ આરોપી કામ કરતો યુકેના નાગરિકોને કોલ કરી આઇઆરએસના અધિકારી તરીકે વાત કરી વિશ્વાસમાં લઈ તમારે ટેક્સ ભરવાનો બાકી છે ટેક્સ નહીં ભરો તો અરેસ્ટ વોરંટ નિકળશે તેમ ડરાવી તેમની પાસેથી બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવવામાં આવતા તેમજ બન્ને દેશોમાં તેમનો કોઈ વ્યક્તિ હતો જે ત્યાંના બેન્ક એકાઉન્ટમાં પૈસા મેળવી પૈસા રૂપાંતર કરી આપતો હતો. આરોપી પાસેથી 4 મોબાઈલ ફોન, એક ડોંગલ, ડેલ કંપનીનું લેપટોપ, રૂ.10,200ની રોકડ એમ મળી કુલ 41700નો મુદ્દામાલ કબ્જે કરાયો છે.