કચ્છમાં સાર્વત્રિક મેઘમહેર યથાવત અઢીથી પાંચ ઇંચ વરસાદ

ભુજના ઐતિહાસિક હમીરસર તળાવમાં નોંધપાત્ર નવા નીરની આવક : કચ્છમાં સતત ત્રીજા વર્ષે સરેરાશ 100 ટકાથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાત અને ખંભાતના અખાત પર કેન્દ્રિત થયેલા હવાના હળવા દબાણને પગલે હાલ સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે રણપ્રદેશ કચ્છમાં પણ ત્રણ દિવસથી સતત મેઘસવારી જારી રહી છે સર્વત્ર બેથી પાંચ ઇંચ વરસાદ પડ્યો છે. સંભવિત શાહીન વાવાઝોડાને કારણે આગામી રવિવાર સુધી હવામાન વિભાગે કરેલી ભારે વરસાદની આગાહી વચ્ચે રાપરમાં અઢી ઇંચ, તાલુકાના અન્ય ગામોમાં પણ એકથી સવા ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો. જિલ્લા મથક ભુજમાં બે ઇંચ તેમજ તાલુકાના ખાવડામાં એક ઇંચ, મુન્દ્રા અને આસપાસના ગામોમાં બે ઇંચ વરસાદ નોંધાયો હતો. ભુજમાં આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. ઢળતી બપોર બાદ ડરામણી વીજળીની ગાજવીજ સાથે ધીમીધારે વરસાદ શરૂ થયો હતો, જે આ લખાય છે ત્યારે પણ ચાલુ રહેવા પામ્યો છે અને સવા બે ઇંચ જેટલું પાણી વરસી જતાં ભુજના ઐતિહાસિક હમીરસર તળાવમાં આખરે નવા નીરની આવક શરૂ થતાં કચ્છ તેમજ બૃહદ કચ્છમાં આનંદ ફેલાયો છે. આ ઉપરાંત ભાતીગળ બન્ની પચ્છમમાં પણ બે ઇંચ જેટલો વરસાદ વરસતાં અનેક નદીનાળામાં પાણી જોશભેર વહી નીકળ્યા હતા. નખત્રાણા તાલુકામાં સતત વરસાદ પડતાં પાણી વહી નીકળ્યા છે.ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.