ભુજના હમીરસર તળાવમાં નગરપાલિકાએ કરેલું બાંધકામ 3 મહિનામાં તોડવાનો હાઇકોર્ટનો આદેશ

ભુજ શહેરના હૃદય સમા 450 વર્ષ જુના હમીરસર તળાવને વર્ષ 2001માં આવેલા મહાવિનાશક ધરતીકંપમાં ભારે ક્ષતિ પહોંચી હતી. ભુજમાં 5થી 10 ઇંચ વરસાદ થવા છતાં પણ તળાવ ઓગનતુ નથી અને જો ઓગની જાય તો એકાદ મહિનાના સમયગાળામાં તળાવના કિનારા દેખાવા માંડે છે અને થોડા જ સમયમાં આ ઐતિહાસિક તળાવ સુકાઈ જાય છે. પ્રજા અને સરકાર દ્વારા તળાવ પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવી રહ્યું છે અને નજીકના ભવિષ્યમાં કદાચ આ તળાવ નષ્ટ થઇ જાય તેવી ભીતિ પણ ઉભી થઇ છે. હમીરસર તળાવના વ્યવસ્થિત સમારકામને બદલે પ્રજાના પૈસાના વેડફાટ સમા તળાવના કરવામાં આવેલા સૌંદર્યકરણના કારણે પહેલાથી જ ક્ષતિગ્રસ્ત થયેલા હમીરસર સરોવરને વધુ હાનિ પહોંચી છે.વળી આ તળાવમાં આવતાં યાયાવર પક્ષીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે ત્યારે આ ’બ્યુટીફીકેશન’ સામે ભુજના પ્રબુદ્ધ નાગરિકો દ્વારા કરવામાં આવેલી જાહેરહિતની અરજી બાદ શુક્રવારે હાઈકોર્ટે ભુજ નગરપાલિકા દ્વારા હમીરસર તળાવની અંદર અને બહાર જે પણ બાંધકામ કર્યું છે, તે ત્રણ માસમાં તોડી પાડવા માટે આદેશ કર્યો છે.તેમજ યાયાવર પક્ષીઓ પણ ફરી હમીરસરમાં આવે તે માટે તાત્કાલિક પગલાં લેવા જણાવ્યું છે.
જસ્ટિસ જે બી પારડીવાલા અને જસ્ટિસ વી ડી નાણાવટીની ખંડપીઠે એ પણ ટકોર કરી હતી કે, નોટિફાઈડ વોટરબોડી ( જળાશયો) હોય તેના પર કોઈપણ પ્રકારના બાંધકામ કરી શકાય નહીં. ઐતિહાસિક મહત્વ ધરાવતા તળાવને ભારે નુકશાન નગરપાલિકાએ જ પહોંચાડ્યું હોવાનું પણ આ આદેશમાં જણાવાયું છે. વર્ષ 2019માં હાઈકોર્ટે આ બાંધકામ સામે સ્ટે આપતાં નગરપાલિકાએ આ પ્રોજેક્ટને પડતો મુક્યો છે. ન્યાયમૂર્તિઓએ એમ પણ કહ્યું હતું કે તેઓ તળાવને કેટલું નુકશાન થયું છે તે તપાસવા માટે સ્થળની જાત મુલાકાત લેવાનું પસંદ કરશે. અત્રે ઉલ્લેખનિય છે કે હમીરસર તળાવનો જ એક ભાગ ધોબી તળાવને આર્ક્યોલોજી પાર્કના નામે પૂરી દેવાયો છે. સાફ-સફાઈ થતી નથી.ભુજના અન્ય નષ્ટ થયેલા ઐતિહાસિક દેશલસર તળાવ જેવી હાલત આ સરોવરની પણ ધીમે ધીમે થતી જાય છે. લોકો કચરા,મૃત પશુઓના મૃતદેહ, રહેણાંકની ઉભરાતી ગટરોના પાણી હમીરસરને બગાડી રહ્યા છે.