ભુજ ટાઉનહોલ ખાતે સાયબર ક્રાઇમ અને ઇન્વેસ્ટિગેશન પર સેમિનાર યોજાયો


રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે બીજી ઓક્ટોબરે આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ રાજ્યમાં લીગલ સેમિનારનું આયોજન કરાયું હતું જે પૈકી કચ્છના મુખ્ય મથક ભુજ ખાતે જિલ્લા સરકારી વકીલશ્રી તથા પોલીસ અધિક્ષકશ્રી કચ્છ જિલ્લા દ્વારા સેમિનાર યોજાયો હતો.
ડાયરેક્ટર ઓફ પ્રોસીક્યુશન તેમજ કાયદા અને ગૃહ વિભાગ દ્વારા આયોજિત આ સેમિનારમાં પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી એચ.એસ.મુલિયા એ અધ્યક્ષીય પ્રવચનમાં જણાવ્યું હતું કે આઝાદીના અમૃત પર્વ હેઠળ સમગ્ર રાજ્યમાં કાયદાકીય સેમિનાર યોજાઈ રહ્યા છે. પોલીસ અને ન્યાયતંત્ર ના કાર્યની એકરૂપતા થી પીડિતો માટે ન્યાયની પ્રક્રિયા કાર્ય કરે એ માટે આ સેમિનાર યોજાયો છે.
શ્રી મુલીયાએ ઇલેક્ટ્રોનિક્સ પુરાવા બાબતે એવીડન્સ, પ્રોસીક્યુશન, ડિફેન્સ અને એપ્રિશિયેશન પર બોલ્યા હતા. તેમજ મૌખિક, દસ્તાવેજી અને ઇલેક્ટ્રોનિક પુરાવા બાબતે સેમિનારમાં ચર્ચા કરી હતી.
અતિથિ વિશેષ પદેથી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારાએ પ્રસંગોચિત પ્રવચનમાં જણાવ્યું હતું કે ,આઝાદીના અમૃત પર્વ હેઠળ યોજાયેલા આ સેમિનારથી કાયદો અને વ્યવસ્થા હજુ વધુ સુદ્રઢ બનશે.
અધિક ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજશ્રી પી.એસ.ગઢવીએ ઇલેક્ટ્રોનિક એવિડન્સ પુરાવામાં ગ્રાહ્યતા અંગે માર્ગદર્શન આપ્યું હતું .
પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી સૌરભ સિંઘે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે પોલીસ નું કામ પુરાવા શિસ્તબદ્ધ રીતે રજુ કરવાનું છે અને ન્યાયનું કામ સત્ય શોધવાનું છે જેના પગલે પીડિતોને માટે ન્યાય પ્રક્રિયા નું કામ વધુ સરળ બને.
સેમિનારનો હેતુ અને સ્વાગત પ્રવચન કરતા જિલ્લા સરકારી વકીલ શ્રી કે.સી ગોસ્વામીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના આયોજનથી ગૃહ અને કાયદા વિભાગ દ્વારા ન્યાયને મજબૂત કરવા પોલીસ અને ન્યાય વિભાગના સંયુક્ત ઉપક્રમે પૂર્વ-પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા સાંપ્રત સમયમાં સોશિયલ મીડિયામાં થતા ગુના તેમજ સાયબર ક્રાઈમના ગુનાઓને અદાલત સમક્ષ ભોગ બનનારને ન્યાય વધારે યોગ્ય પદ્ધતિથી મળે એ માટેના સેમિનારનું આયોજન કરાયું હતું.
આ સેમિનારમાં સાયબર ક્રાઇમ ઇલેક્ટ્રોનિક એવિડન્સ અને એન. ડી.પી.એસ. એકટ જેવાં વિવિધ કાયદા પર કાયદા નું માર્ગદર્શન અપાયું હતું. જે પૈકી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીએસઆઇ શ્રી હિતેશભાઈ ઝાલાએ સાયબર ક્રાઇમ અને તેના કાયદા અને ગુનાઓ બાબતે માહિતી પૂરી પાડી હતી .
અધિક ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી સી.એમ.પવારે એન.ડી.પી.એસ. એકટ બાબતે અને વિવિધ કલમ અને કેસની કાયદાની વિગતો આપી માર્ગદર્શન કર્યું હતું.
સેમિનારમાં ઉપસ્થિત કાયદા અને પોલીસના મહાનુભાવો અને અધિકારીઓએ પોલીસ તપાસમાં ખામી નિવારવા અને કનવિકશન રેટ વધારવા બાબતે ચર્ચા અને પ્રશ્નોત્તરી કરી હતી.
આ તકે કચ્છ-મોરબીના સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા દ્વારા મોકલવામાં આવેલ શુભેચ્છા સંદેશનું પઠન કરવામાં આવેલ.
સેમિનારની આભાર વિધિ એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર શ્રી એસ.જી. રાણાએ કરી હતી.
આ તકે પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી મયુર પાટિલ તેમજ જિલ્લાના પોલીસ અને ન્યાયના મહાનુભાવશ્રી અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હેમલતા પારેખ.