કચ્છમાં 12 કલાકમાં ભૂકંપના છ આંચકા

નવરાત્રી પર્વના શરૂ થઇ ગયેલા કાઉન્ટડાઉન વચ્ચે કચ્છમાં ભૂકંપના આંચકાઓનો વણથંભ્યો દોર યથાવત રહ્યો છે ત્યારે માત્ર 1ર કલાકના સમયગાળામાં ભૂકંપના નાના-મોટા 6 જેટલા કંપનો અનુભવાયા હોવાનું ગાંધીનગર સિસ્મોલોજી કચેરીથી જાણવા મળ્યું છે.સોમવારે રાત્રે 8:30 કલાકે રિક્ટર સ્કેલ પર 2.9ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. જેનું કેન્દ્રબિંદુ દુધઇથી 21 કિ.મી. દૂર નોંધાયું હતું. જે બાદ રાત્રે 11:07 કલાકે દુધઈથી 23 કિ.મી. દૂર કેન્દ્રબિંદુ ધરાવતો અને ડરામણા અવાજ સાથે આવેલો 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયા બાદ રાત્રે 1:41 કલાકે દુધઈથી 23 કિ.મી. દૂર જમીનમાં 12:08ની ઉંડાઈએ 2.4નો, ભચાઉથી 12 કિ.મી. દૂર સવારે 1:57 કલાકે 2.4ની તીવ્રતા ધરાવતો આંચકો નોંધાયો હતો. જે બાદ પરોઢીયે 7:04 કલાકે દુધઈથી 23 કિ.મી. દૂર જમીનમાં 6 કિ.મી.ની ઉંડાઈએ 2.1નો જ્યારે કંડલાથી 2 કિ.મી. દૂર જમીનમાં 22.6 કિ.મી.ની ઉંડાઈએ 2.4 મેગ્નીટ્યૂર્ડનો આંચકો નોંધાયો હતો. અચાનક હાઇપર એક્ટિવ બનેલી કચ્છની વાગડ ફોલ્ટલાઈનમાં ભૂકંપના આંચકાનો દોર ચિંતાજનક રીતે વધી ગયો છે.કચ્છમાં આમતો બે દાયકા અગાઉ આવેલા મહાવિનાશક ધરતીકંપ બાદ સતત આંચકાઓ આવી રહ્યા છે, પણ છેલ્લા ત્રણ-ચાર મહિનામાં ભૂકંપના આંચકાઓનું પ્રમાણ અચાનક વધી ગયું છે.જૂનથી ઓગસ્ટ વચ્ચે 4.0થી ઉપરના 9 જેટલા શક્તિશાળી આંચકાઓએ સૌરાષ્ટ્ર-કચ્છને ધ્રુજાવ્યું હતું. દુધઇથી 23 કિ.મી. ઉતરે 2.4 અને 2.1 ના આંચકા નોંધાયા હતા. તો ભચાઉ નજીક 2.4 અને કંડલા નજીક 2.4 નો આંચકો આવ્યો હતો. જ્યારે તાલાલથી 44 કિ.મી. બોરડી-બગોયા ગામ વચ્ચે કેન્દ્રબિંદુ ધરાવતો 2.3 નો ભૂકંપ નોંધાયો હતો. જો કે ક્યાંય નુકસાની થઇ નથી.