કચ્છમાં અકસ્માત આપઘાતનાં બનાવોમાં છ લોકોનાં અકાળે મોત

ભુજ તા. 19
તહેવારો વચ્ચે કચ્છમાં જાણે કાળચક્ર ફરી વળ્યું હોય તેમ અલગ અલગ આપઘાત-અકસ્માતનાં બનાવોમાં છ લોકોના અકાળે મોત નીપજ્યાં છે. કંડલા જતા માર્ગે નકટીપુલ રેલવે ફાટક પાસે ટેન્કર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા કંડલાના વેલિયમ મુકેશ (ઉ.વ. 39) નામના યુવાનનું મોત નીપજ્યું હતું. ગાંધીધામથી કંડલા તરફ જતા માર્ગ પર નકટી પુલ રેલવે ફાટક પાસે આ યુવાન બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે ટેન્કરના બમ્પરમાં ટકરાયા બાદ તે પાછળના જોટામાં આવી જતાં આ બાઈક ચાલકને માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા તેનું બનાવ સ્થળે જ મોત થયું હતું. પોલીસે ફરિયાદ નોંધવા સહિતની આગળની તપાસ હાથ ધરી છે.
વધુ એક જીવલેણ બનાવ ભુજ નજીકના મિરજાપરમા ભગવતી હોટેલ પાસે ધોરીમાર્ગ ઉપર બન્યો હતો જેમાં વેલજીભાઈ ચાવડા નામના વૃદ્ધ હોન્ડા એક્ટિવા સ્કૂટર લઈને સહજાનંદ નગર બાજુ જઈ રહ્યા હતા ત્યારે ટ્રકે ટક્કર મારતાં આ વૃદ્ધને ગંભીર ઈજાઓ પહોંચતાં તેમનું મોત થયું હતું. આ બનાવમાં ફરિયાદ નોંધવા સહિતની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. બીજી તરફ, ભુજ શહેરના હમીરસર તળાવમાં પરિણીતાએ મોતની છલાંગ લગાવતાં તેણીનું મોત નીપજ્યું હતું. રઘુનાથજીના આરા પાસે આ મહિલા મળી આવતાં પોલીસ ટુકડી સ્થળ પર ધસી જઇ લોકોની મદદથી મહિલાને બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઇ જવાતાં તબીબે મૃત જાહેર કરી હતી.
એ ડિવિઝન પોલીસ હતભાગી મહિલાની ઓળખ માટે તપાસ કરતાં ભુજ-મુન્દ્રા રોડ પર આવેલા શનિદેવ મંદિર સામે ઘનશ્યામનગર સોસાયટીમાં રહેતા અને હતભાગી મહિલાના પતિ ઉમરભાઇ લધુભાઇ બુચીયાએ પોલીસને જણાવ્યું હતું કે, મરણજનાર તેમની પત્ની રાણબેન ઉમરભાઇ બુચીયા (ઉ.વ.45) હોવાનું જણાવ્યું હતું. તેમની પત્ની હમીરસર તળાવમાં બે હોસ હાલતમાં મળી આવ્યા અંગે જાણ થતાં તાત્કાલિક જી.કે.જનરલ હોસ્પિટલમાં લઇ આવતાં હાજર પરના તબીબે મૃત જાહેર કરી હતી.
અપમૃત્યુનો વધુ એક બનાવ કિડાણાના એકતાનગર- મૈત્રી સોસાયટીમાં બન્યો હતો જેમાં આ વિસ્તારના પ્લોટ નંબર 74માં રહેનારો આફતાબ મોહમદ બજરૂદિન અંસારી (ઉ.વ. 27) નામનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે અગમ્ય કારણોસર પંખામાં દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.
પોલીસે ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.અપમૃત્યુનો વધુ એક કિસ્સો કિડાણા ગામની જ શ્રીરામ સોસાયટીમાં બન્યો હતો જેમાં અહીં રહેનારા પ્રવીણાબેન નામના મહિલા બપોરે પોતાના ઘરે હતા ત્યારે કોઈ અગમ્ય કારણોસર પંખામાં રસ્સી બાંધી આ મહિલાએ પોતાનો જીવ દીધો હતો. કચ્છના સીમાવર્તી લખપતના લાખાપરમાં પણ અપમૃત્યુનો બનાવ સામે આવ્યો છે જેમાં જમીલાબેન નામના મહિલા સોમવારે રાત્રે પોતાના ઘરે અકસ્માતે દાઝી જતાં આ મહિલાને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં સારવાર દરમ્યાન આ મહિલાએ દમ તોડી દીધો હતો તેવું પોલીસે જણાવ્યું હતું.