મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઉત્તરાખંડના CM સાથે ટેલીફોનિક વાતચીત કરી, CMO દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરાયા

ગાંધીનગર, તા. 19
ઉત્તરાખંડમાં કુદરતી સંકટ અને વરસાદને કારણે ગુજરાતના જે યાત્રિકો ત્યાં ફસાઈ ગયા છે. તે તમામ સલામત છે. પરંતુ ફસાયેલા ગુજરાતના તમામ પ્રવાસીઓની જરૂરી મદદ સહાય માટે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંઘ ધામીજી, ઉપરાંત ઉત્તરાખંડ ના મુખ્ય સચિવ સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે હાલમાં ટેલીફોનીક વાતચીત કરી હતી. અને ગુજરાતના ફસાયેલ નાગરિકોને જરૂરી તમામ સહાય આપવા અનુરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડમાં ભારે વરસાદ ના કારણે ગુજરાતના યાત્રિકો હાલ ફસાઈ ગયા છે. જોકે આ તમામ યાત્રિકો હાલ સુરક્ષિત જગ્યાએ છે. અને કોઈ જ પ્રકારની અઘટિત ઘટના બની નહીં હોવાનો દાવો ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ રાજ્યના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંઘ ધામીજી સાથે ટેલિફોનિક વાત કરી ગુજરાતના જે યાત્રિકો ત્યાં ફસાયેલા છે તેમને તમામ મદદ કરવા અનુરોધ કર્યો છે. જયારે મુખ્ય સચિવ પંકજકુમારે પણ ઉત્તરાખંડના મુખ્ય સચિવ સાથે ટેલીફોનિક ચર્ચા કરી છે. જેમાં ઉત્તરાખંડમાં ફસાયેલા પ્રવાસીઓનું સંકલન કરી ગુજરાત પરત લાવવા અંગે બન્ને રાજ્યોનું વહીવટી તંત્ર સંકલન સાધે તે અંગે વાતચીત કરી હોવાનું જાણવા મળ્યું છે. તો બીજી તરફ ઉત્તરાખંડ માં ફસાયેલા ગુજરાતી નાગરિકોનો સંપર્ક થઈ શકે અને અન્ય માહિતી મેળવી શકાય તે માટે મુખ્યમંત્રીની સીધી સૂચના ને પગલે ગુજરાત સરકાર ના ઇમરજન્સી ઓપરેશન સેન્ટરનો ખાસ હેલ્પ લાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે. આ હેલ્પ લાઇન 079 23251900 નંબર પર ઉત્તરાખંડમાં અટવાયેલા ગુજરાતના યાત્રિકોના સગા સંબંધીઓ, સ્નેહીજનો વિગતો આપી તેમજ યાત્રિકોની વિગતો પણ મેળવી શકશે તેમ મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જણાવાયું છે.