ગાંધીધામમાં અકેલી એક રહેતી યુવતીને બંધક બનાવી સોનુ-રોકડ લૂંટી નેપાળી નોકર ફરાર

A sneaking thief with a bag of stolen goods. A criminal in striped clothing and a mask. Cartoon vector character

ભુજ તા. 20
કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામ શહેરના રહેણાંક વિસ્તારમાં એક નોકરે ઘરની મહિલાને બાંધી, લુંટ ચલાવવાની ઘટના સામે આવતાં ચકચાર ફેલાઈ છે.
ગાંધીધામ શહેરના સપનાનગર કિડાણા ચાર રસ્તા પાસે શારદાકુંજમાં રહેતા 55 વર્ષીય રેખાબેન રવિંદ્ર દાસ ઘરે એકલા હતા ત્યારે ઘરકામ કરતો નિંશાત બહાદુર ગુરખા (ઉ.વ. આશરે 21), ધીરેન્દ્ર નેપાળી (બન્ને મૂળ નેપાળ), સાથે બે અજાણ્યા ઇસમોએ મળીને મંગળવારની સાંજે ઘરમાં ઘુસી ઉપરના માળે રહેલાં મહિલાને કપડાથી મોંઢુ, હાથ-પગ બાંધીને બંધક બનાવી દીધા બાદ લૂંટને અંજામ આપ્યો હતો અને અંદાજિત 7 થી 8 તોલા જેટલુ સોનુ, એક મોબાઇલ સહીત 3 લાખનો મુદામાલ ઉસેડી ચારેય શખ્સો સ્થળ પરથી નાસી ગયા હતા. મહિલાના પતિ રવિંદ્ર ધિરેંદ્ર દાસનેે જાણ થતા પોલીસને જાણ કરતાં સ્થળ પર ધસી આવેલી પોલીસ ટુકડીએ ગંધ પારખું શ્વાન,ફોરેન્સિક સાયન્સ ટીમને સાથે રાખી તપાસ હાથ ધરી છે. આ લૂંટની ઘટનાને અંજામ આપનાર મુખ્ય આરોપી નિશાંત ફરિયાદીના ઘરે કામ કરતો હતો, બીજો આરોપી ધીરેન્દ્ર ફરિયાદીના ગાંધીધામમાં આવેલી ચાઈનીઝ રેસ્ટોરન્ટમાં કામ કરતો હોવાનું તેમજ અન્ય બે અજાણ્યા ઇસમો સાથે મળી માલિકના ઘરમાં જ લૂંટના બનાવને અંજામ આપ્યો હતો.
મોડી રાત્રે પોલીસે નાકાબંધી સહિતના આદેશો છોડી ચક્રો ગતિમાન કર્યા હતા. દરમ્યાન,કચ્છના પાવરપટટી વિસ્તારના મુખ્ય મથક નિરોણા ગામે તળાવવાસમાં આવેલા જોગેશ્વર મંદિરને તસ્કરોએ નિશાન બનાવી, ચાંદીના 5 છતર કિંમત 4 હજાર અને દાનપેટીમાંથી રૂપિયા 200 અને એક તાબાના લોટા સહિત 43 હજારનો મુદામાલ ચોરી જતાં નિરોણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઇ હતી. મંદિરના પુજારી ગોપાલપુરી ખીમપુરીની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે, ચોરીનો બનાવ સોમવારની રાત્રે બન્યો હતો. ગામાં તળાવવાસમાં આવેલા જોગેશ્વરના મંદિરના ગર્ભગૃહની બારીને તોડીને કોઇ અજાણ્યા શખ્સો અંદર પ્રવેશ્યા હતા. મંદિરમાંથી ચાંદીના 5 છતર કિંમત રૂપિયા 4 હજાર, દાનપેટીમાં રહેલું અંદાજીત રૂપિયા 200નું પરચુરણ અને તાબાંના એક લોટા સહિત 43 હજારનો મુદામાલ ચોરી કરી ગયા હતા. નિરોણા પોલિસ સ્ટેશનના પીએસઓ ખેતાજી સોઢાએ બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.