આજે મધરાતથી STની હડતાલની તૈયારી વચ્ચે સરકારે ફરી બેઠક બોલાવી

રાજકોટ,તા. 20
રાજ્યભરનાં 45 હજાર એસટી કર્મચારીઓનાં પડતર પ્રશ્ર્નો અંગે છેલ્લા પખવાડિયા કરતા વધુ સમયથી ચાલી રહેલી કર્મચારીઓની લડત નિર્ણાયક તબક્કે આવી ગઇ છે અને આજ મધરાતથી શરુ થનારી રાજ્યવ્યાપી લડત મામલે બપોર સુધીમાં ફેંસલો થઇ જશે. એસટી કર્મચારીઓનાં ત્રણ યુનિયનોની બનેલી સંકલન સમિતિ દ્વારા આજે મધરાતે 12 વાગ્યાથતી 8 હજાર બસોના પૈડા થંભાવી દેવાની તૈયારી વચ્ચે સરકાર આજે બપોરે ફરી એકવાર એસટી કર્મચારીઓની સંકલન સમિતિ સાથે મંત્રણા કરનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગઇકાલે સાંજે 5 વાગ્યાથી રાત્રિનાં 11 વાગ્યા સુધી સરકારનાં કેબીનેટ કક્ષાનાં વાહન વ્યવહાર મંત્રી અને એસટી સંકલન સમિતિ વચ્ચે મેરેથોન મંત્રણા થઇ હતી. પરંતુ આ મંત્રણા રાત્રિનાં જ પડી ભાંગી હતી. એસટી કર્મચારીઓની મુખ્ય માંગણીઓ પૈકી પે-ગ્રેડ, ફિક્સ પગારવાળા કર્મચારીઓનો પગાર વધારો અંગે સરકારનું નરમ વલણ છે પરંતુ મોંઘવારી ભથ્થા મામલે સરકાર અવઢવમાં આવી ગઇ છે. નાણાખાતાનાં અધિકારીઓ એવું કહે છે કે એસટી નિગમનાં અધિકારીઓને મોંઘવારી ભથ્થુ ન હોય ! જો કે, એસટી કર્મચારીઓનાં યુનિયન અગ્રણીઓ જણાવે છે કે, એસટી કર્મચારીઓને દરેક સરકારી કર્મચારીઓની જેમ જ મોંઘવારી મલે છે અને તે હકક પણ પણ છે. આથી ચડત મોંઘવારી સહિતનાં લાભો મળવા જ જોઇએ. જો એસટી કર્મચારીઓનાં આ મહત્વનાં પ્રશ્ર્નો હલ નહીં થાય તો મધરાતથી હડતાળ નક્કી છે તેવું યુનિયન અગ્રણીઓ જણાવી રહ્યા છે. જો કે હાલ વેઇટ એન્ડ વોચની સ્થિતિ છે. સાંજ સુધીમાં હડતાળ અંગે ચિત્ર સ્પષ્ટ થઇ જાય તેવા એંધાણ છે.

અમરેલી
અમરેલી એસટી ડેપોમાં ગઇકાલે એસટીનાં તમામ કર્મચારીઓએ ઘંટારવ અને સુત્રોચ્ચાર કરીને બહેરી સરકારનાં કાન સુધી અવાજ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.
અમરેલી સહિત રાજ્યભરનાં એસટી કર્મીઓ છેલ્લા ઘણાં મહિનાઓથી તેમની પડતર માંગણીઓને લઇને રુબરુ તેમજ લેખીત રજૂઆત કરી રહ્યાં છે. દરમિયાનમાં મુખ્યમંત્રી સહિતનું પ્રધાનમંડળ પણ બદલાઈ ગયું છે છતાં હજુ સુધી પડતર પ્રશ્ર્નોનું નિરાકરણ ન થતાં એસટી કર્મીઓમાં રોષનો માહોલ વધી રહ્યો છે. ગઇકાલે અમરેલી એસટી ડેપો ખાતે એસટી કર્મીઓએ ઘંટારવ અને સુત્રોચ્ચાર કરીને સરકાર સુધી અવાજ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો અને આજે રાત્રિથી એસટીના પૈડા થંભાવી દેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

જૂનાગઢ
જૂના પડતર પ્રશ્ર્નોનો ઉકેલ ન આવતાં એસટી વિભાગનાં કર્મચારીઓ આજે રાત્રિનાં 12ના ટકોરે હડતાલ પર ઉતરી જશે. જેના કારણે જૂનાગઢ એસટી ડીવીઝનની બસોના પૈડા થંભી જશે. આ હડતાલમાં 3600થી વધુ કર્મીઓ હડતાલમાં જોડાશે. એસટી કર્મીઓએ ભૂતકાળમાં અનેક વખત પોતાની 18 જેટલી માગણીઓની વારંવાર રજૂઆતો કરવા છતાં લેખીત કે મૌખિક અને રુબરુ મળવા છતાં સરકારમાંથી ઉકેલ ન આવતા એલાને જંગની જાહેરાત કરી છે. એસટી જૂનાગઢ વિભાગનાં ત્રણેય યુનિયનો-ફેડરેશન ત્રણેયની મીટીંગ મળવા પામેલ જેમાં નક્કી કર્યા મુજબ આજે રાત્રિનાં 12 કલાકે જૂનાગઢ વિભાગની તમામ બસોનાં પૈડા થંભી જશે. અચોક્કસ મુદતની હડતાલના કારણે દિવાળીનાં તહેવારો નજીક હોય જેની સીધી અસર ગ્રામ્ય પ્રજા ઉપર પડશે. સામે પ્રાઈવેટ બસો, લકઝરી અને અન્ય વાહનોને બખ્ખા થઇ જશે અને લોકો લૂંટાતા રહેશે.

રાજકોટ
આજે મધરાતે 12 વાગ્યાથી એસટી કર્મચારીઓની રાજ્યવ્યાપી હડતાળ તોળાઈ રહી છે. ત્યારે આ હડતાળમાં રાજકોટ એસટી વિભાગનાં 2300 કર્મચારીઓ પણ જોડાનાર છે. આ તમામ કર્મચારીઓએ તા. 21નાં રજા રિપોર્ટ મુકી દીધા હોવાનું જાણવા મળી રહ્યું છે. જો હડતાલ પડશે તો રાજકોટ એસટી વિભાગની 500થી વધુ બસોનાં પૈડા થંભી જશે.