કચ્છમાં જુદા-જુદા બનાવોમાં પાંચનાં અપમૃત્યુથી અરેરાટી

ભૂજ તા. 20
કચ્છમાં હજુ એક દિવસ અગાઉ આપઘાત-અકસ્માતની ઘટનાઓમાં 6 લોકોના અકાળે મોત નિપજ્યા બાદ, તહેવારો વચ્ચે આજે વધુ પાંચ લોકોના અકાળે મોત નિપજતાં અરેરાટી સાથે ગમગીની ફેલાઈ છે. કચ્છના બંદરીય મુન્દ્રાના મોટી તુંબડી ગામે બનેલી એક કરુણાંતિકામાં સવારે તીવ્ર હૃદયરોગના હુમલામાં પતિનું મોત થયા બાદ,પત્નીથી આઘાત સહન ન થતાં પોતાના ઘરે એસીડ ગટગટાવીને જિંદગી ટુંકાવી લેતા દંપત્તિ ખંડિત બનતાં સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ગમગીની ફેલાઈ છે. આ અંગે માનકૂવા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર, ગજોડ ગામમાં આવેલી એક પેઢીના બાગમાં મોટી તુંબડીના સબુભા નવલસિંહ જાડેજા કામ કરતા હતા ત્યારે તેમને હૃદયરોગનો તીવ્ર હુમલો આવ્યા બાદ પ્રથમ ભુજની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ તેમને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત નિપજ્યું હતું. પતિનું મોત થતા તેમના પત્ની લીલાબા સબુભા જાડેજાથી આઘાત સહન ન થતાં તેમણે પોતાના ઘરે એસીડ પી લીધું હતું. જેથી તેમને સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કરતા પરિવાર દિગ્મૂઢ બની ગયો હતો. જખૌ પાસેના સમુદ્રમાં ડૂબી જવાથી વલસાડના માછીમારનું મોત થયું છે. જખૌ પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર અન્નપૂર્ણા નામની બોટમાં માછીમારી દરમિયાન વલસાડના જયેશ ભાઈલાલભાઈ નાયકા અકસ્માતે દરિયામાં પડી ગયા હતા. સ્થાનિકે હાજર માછીમારો દ્વારા તેઓને તાત્કાલિક દરિયામાંથી બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જોકે, નલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રના તબીબે હતભાગીને મૃત જાહેર કર્યા હતા. પૂર્વ કચ્છના ભચાઉ તાલુકાના ચીરઈ ગામે કેરોસીનથી દાઝી ગયેલી પરીણિતાએ દમ તોડી દીધો હતો. ભચાઉ પોલીસ મથકેથી મળતી માહિતી પ્રમાણે નાની ચીરઈ ગામે રહેતા ચંદ્રિકાબેન રામજીભાઈ બઢિયા (ઉ.વ. રપ) પોતાના ઘરે ચા બનાવતા હતા. ત્યારે કેરોસીનનો ડબ્બો ગેસ પર પડતા આગ વિકરાળ થઈ હતી. જેમાં શરીરે દાઝી જતા ચંદ્રિકાબેનને પ્રથમ ભુજ અને બાદમાં અમદાવાદ સિવિલમાં લઈ જવાયા હતા. જ્યાં તેમને સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું, જ્યારે અંજારથી, મુન્દ્રા જતી રેલવે લાઈનમાં બ્રીજ નં.37 પાસે દેવળિયા નજીક ટ્રેન હડફેટે આવી જવાથી કોઈ અજાણ્યા પુરુષનું મોત થયું હતું. જેની જાણ થતા 108 દ્વારા હતભાગીને હોસ્પિટલમાં લઈ જવાયો હતો.