સ્વામીનારાયણ પ્રભુ પ્રસાદી ગામ સુખપરે વિધાનસભા પ્રથમ મહિલા અધ્યક્ષાનું અભિવાદન કર્યુ

ભગવાન સ્વામીનારાયણ પ્રભુ પ્રસાદીના ગામ સુખપર ખાતે વિધાનસભા પ્રથમ મહિલા અધ્યક્ષાનું ઉષ્માભેર અભિવાદન કરાયું હતું. ભુજ તાલુકાના સુખપર ખાતે વિવિધ ધાર્મિક, સામાજિક સંસ્થાના અને વિવિધ સમાજો, મંડળોએ વિધાનસભા અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્યનું ઉષ્માભેર સ્વાગત કર્યુ હતું. નર્મદા કેનાલ કામગીરી માટે પ્રક્રિયા ચાલુ છે ત્યારે નર્મદાના વધારાના ૧ મીલીયન એકર ફીટ પાણીને ભરવા ડેમ અને તળાવો વધુ સક્ષમ કરીએ નર્મદાના પાણી નજીકના ભવિષ્યમાં કચ્છમાં પહોંચશે એમ પ્રાસંગિક ઉદબોધનમાં ડો.નીમાબેને જણાવ્યું હતું. નર્મદા કેનાલ કામગીરી અંગે વિગતે પુરી પ્રક્રિયા સમજાવતા તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, રાજકારણ જનસેવાનું ઉત્તમ માધ્યમ છે. જનતાના ટેક્ષમાંથી મળેલા પૈસાથી સરકારના વિકાસ કામો થાય છે અને તે પૂર્ણ કરાવવાની અમારો સૌનો પ્રયત્ન હંમેશા રહે છે. ભૂકંપ બાદ કચ્છનો અકલ્પ્ય વિકાસ વિશ્વ નોંધનીય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇની દીર્ધદષ્ટિના પગલે આજે સરહદી સીમાડા રોજગારી અને વિકાસથી નોંધનીય બન્યા છે. નરેન્દ્રભાઇ મોદીની દીર્ધદષ્ટિને કચ્છને ફળી છે એમ જણાવી તેમણે જિલ્લામાં આકાર લઇ રહેલા વિવિધ વિકાસ પ્રકલ્પો બાબતે વિગતવાર જનતાને માહિતી આપી હતી. નર્મદાની કામગીરી પૂર્ણ કરાવવાના સંકલ્પને ફરી વાર રજુ કરી તેમણે સૌને ડેમ, તળાવો ઉંડા અને ઉંચા કરાવવાની દિશામાં કામગીરી પ્રત્યે ધ્યાન દોર્યુ છે. જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારાએ આ તકે સ્થાનિક સ્વરાજયમાં મહિલાઓ માટે ૫૦ ટકા અનામત બેઠકનો ઉલ્લેખ કરતાં સરકારમાં નારીશકિતના અદભૂત ઉદાહરણો રજુ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, દેશ અને રાજયના રાજકારણમાં મહિલાઓને મહત્વ અપાઇ રહયું છે. કચ્છ અને ડો.નીમાબેન આચાર્યને અપાયેલ પદ પણ તેનું જ એક ઉદાહરણ છે. આ તકે વડાપ્રધાનએ ડો.નીમાબેન આચાર્ય અને કચ્છ પર મુકેલા વિશ્વાસને સાર્થક કરાવવામાં પ્રભુ પ્રાર્થના કરવા તેમણે જણાવ્યું હતું. અગ્રણી ધનજી જીયાણીએ આ તકે અધ્યક્ષા દ્વારા ધારાસભ્ય તરીકે સુખપર ખાતે રૂ.૫ કરોડના વિવિધ વિકાસકાર્યો જેવા પી.એચ.સી.,પશુ દવાખાનું, હિંદુ સ્મશાનગૃહ, મંદિરો માટે, રોડ રસ્તાઓ બનાવવા વગેરેની વિગતો રજુ કરી હતી. આ તકે ભુજ સ્વામીનારાયણ મંદિરના ટ્રસ્ટીઓ, હરિભકતો, ભુજ તાલુકા પંચાયત પ્રમુખ મંજુલાબેન ભંડેરી, અગ્રણી ભીમજીભાઇ જોધાણી, હરીશ ભંડેરી, શીવજીભાઇ પાધરા, લાલજીભાઇ રાબડીયા, રતનબેન મેપાણી, જશુબેન ભુવા, ધનજીભાઇ વાઘજીયાણી, માવજીભાઇ વાગડીયા, ગોંવિદભાઇ વાગડીયા, નાનબાઇ ખેતાણી, પુષ્પાબેન ભુવા અને ગ્રામજનો ઉત્સાહભેર હાજર રહયા હતા.