ભચાઉના ચોબારીમાં અડધી રાતે આધેડને ઘર બહાર બોલાવી બોલાચાલી કરી, પત્ની-પુત્રીની નજર સામે ગળા અને છાતીમાં છરીના ઘા ઝીંક્યા

પૂર્વ કચ્છના ભચાઉ તાલુકાના ચોબારી ગામે ગત મોડી રાત્રે ઘરે સુતેલા આધેડને ફોન કરી બહાર બોલાવી સમાજના જ એક માથાભારે શખ્સ દ્વારા પત્ની અને પુત્રીની નજર સામે જ છરીના ઉપરાછાપરી ઘા મારી હત્યા નીપજાવી દેવાની ઘટના પ્રકાશમાં આવી છે. બનાવના પગલે ખેતીપ્રધાન ગામમાં આહીર સમાજની સાથે સમગ્ર વાગડમાં ચકચાર પ્રસરી જવા પામી છે. બનાવની મળતી પ્રાથમિક માહિતી મુજબ ભચાઉ તાલુકાના ચોબારી ગામે કબીર નગર ખાતે રહેતા 45 વર્ષીય કાનજી રણછોડ ઢીલાએ તેમની જ સમાજના મોમાયા ઉર્ફે પપ્પુ તેજા ચાવડાને સાંજે ગલીમાં બાઈકથી આંટાફેરા મારવા મુદ્દે ઠપકો આપેલો. આ ઠપકાનું મનદુઃખ રાખી રાત્રે 12.30 વાગ્યાની આસપાસ પપ્પુ તેજા ચાવડાએ કાનજીભાઈને ફોન કરી ઘરની બહાર બોલાવી બોલાચાલી કરીને ગળા અને છાતીના ભાગે છરીના અનેક ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા. બનાવના સમયે બોલાચાલીના અવાજથી બહાર આવેલા કાનજીભાઈના પત્ની અને પુત્રીની સામે જ આરોપીએ છરીના પ્રહાર કર્યા હતા અને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચાડી ફરાર થઈ ગયો હતો. સૂત્રો અનુસાર પપ્પુ તેજા ચાવડા વિરુદ્ધ આ પહેલા પણ ગામના 70 વર્ષીય વૃદ્ધ ગણેશા કાના ઢીલાને તેમની વાડીએ સાગરીતો સાથે જઈ ઢોરમાર મારી હત્યા નિપજાવી દેવાનો કેસ હજુ કોર્ટમાં ચાલુ છે. દરમિયાન રાજકીય વગ ધરાવતો અને સંદિગ્ધ વ્યવસાય સાથે જોડાયેલો આ માથાભારે શખ્સ આજે ફરી એક વખત હત્યા કરી ભાગી ગયો હોવાનું જાણવા મળ્યું છે. મૃતકના ભત્રીજા સવજી ડાયા ઢીલાની ફરિયાદ પરથી ભચાઉ પોલીસે હત્યા સહિતની કલમો તળે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હોવાનું ગામના સરપંચ વેલજીભાઈએ જણાવ્યું હતું. અત્રે નોંધનીય છે કે મૃતકને સંતાનમાં 17 વર્ષનો પુત્ર અને 15 વર્ષની પુત્રી છે.
આરોપી ભચાઉથી ચોબારી સુધીના પટ્ટામાં દારૂનો વ્યવસાય કરતો હોવાનું લોકો પાસેથી જાણવા મળ્યું છે. તો મુંબઈમાં નકલી કોસ્મેટિક સહિતના ધંધા સાથે પણ સંકળાયેલો છે. તેમજ ચોબારી ગામે કોઈ તબીબને દવાખાનું ખોલાવી અન્ય તબીબોને ધાક ધમકી કરી ભગાડી દેવાની કોશિશ પણ તેના દ્વારા કરવામાં આવી હતી.