ગ્રેડ-પે આંદોલન કચ્છમાં પ્રસર્યું, પોલીસ કર્મચારી, પરિવારો રસ્તા પર ઉતરી પડયા


ગુજરાત પોલીસના કર્મચારીઓએ ગ્રેડ પે વધારવાની માગણી સાથે પહેલા સોશિયલ મિડીયા અને હવે ખુલ્લેઆમ ધરણાં સહિતના આંદોલન રાજ્યભરની સાથે કચ્છમાં શરૂ થઈ ગયાં છે. પોલીસ કર્મીઓ અને તેમના પરીવારજનો પણ ધીમે ધીમેે ધરણાં કરવા રોડ પર આગળ આવવા લાગ્યા છે. બુધવારે પૂર્વ અને પશ્ચિમ કચ્છના અનેક પોલીસ મથકો ખાતે કર્મચારીઅોઅે શિસ્તબદ્ધ રીતે સ્ટેશન બહાર જ પ્લેકાર્ડ સાથે સુત્રોચ્ચાર કર્યો હતો. તો કચ્છમાં પ્રથમ વખત પોલીસ કર્મચારી અને પરીવારજનો રોડ પર વિરોધ કરવા ઉતરી અાવ્યા હતા. પશ્ચિમ કચ્છના મુખ્ય મથક ભુજ ખાતેના પોલીસ 36 કવાર્ટર બહાર પોલીસ કર્મચારીઅો અને પરીવારજનો રોડ પર ઉતરી પડયા હતા. મહિલાઅો સુત્રોચ્ચાર કરી ચક્કાજામ કરી અાંદોલનને સમર્થન પુરુ પાડયું હતું. બીજી તરફ પશ્ચિમ કચ્છના ભુજ એ-બી ડિવિજન, ખાવડા, પદ્ધર, જખૌ મરીન, નલિયા, નખત્રાણા, માંડવી, ગઢશીશા સહિતના પોલીસ મથક ખાતે પોલીસ કર્મચારીઅોઅે બેનરો હાથમાં પકડી સુત્રોચ્ચાર કરી વિરોધ જતાવ્યો હતો. ગાંધીધામ | ગત મોડી રાત્રિના કંડલાથી દિલ્હીને જોડતો મુખ્ય રાધનપુર-સામખીયાળી નેશનલ હાઈવે શિવલખા પાટિયા પાસે ટાયરો સળગાવી, રોડ પર મલબો ઠાલવી પોલીસ માંગણી સમર્થનના પોસ્ટરો ફેંકી કલાકો સુધી ચક્કાજામ કરાયો હતો. આદિપુર પોલીસ લાઈન પરિવારના સભ્યો પોલીસ લાઈનથી એસપી કચેરી સુધી પદયાત્રા કરી પોલીસવડાને આવેદન પત્ર પાઠવી પે ગ્રેડ વધારવા માંગ કરી સમર્થન આપ્યું હતું.