ગુજરાત પોલીસના ગ્રેડ-પે આંદોલનના આજે ત્રીજા દિવસે પોલીસ પરિવાર ગાંધીનગ૨ સત્યાગ્રહ છાવણીમાં પોલીસ પ૨ીવા૨ના બાળકો પણ જોડાયા

ગુજરાત પોલીસના ગ્રેડ-પે આંદોલનના આજે ત્રીજા દિવસે પણ પોલીસ પરિવાર મક્કમતા સાથે લડત આપી રહ્યો છે.તો બીજી તરફ રાજ્ય સરકારે આ મુદ્દો ઉકેલવા માટે કમિટીની રચના કરવાની તૈયારી દર્શાવી છે. પરંતુ સરકાર દ્વારા હજુ સુધી ચર્ચા માટે કોઈ આમંત્રણ પાઠવવામાં આવ્યું નથી. ત્યારે આવતીકાલ સાંજ સુધીમાં લેખિત પગાર , કામના કલાકો નક્કી કરવા સહિતના પડતર તમામ લેખિત મુદ્દા સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ મળવાનું પોલીસ પરિવાર દ્વારા વિચારણા હેઠળ હોવાના અહેવાલ છે. ગુજરાત પોલીસમાં અન્ય રાજ્યો કરતાં ઓછો પગાર હોવાનું તેમજ કામના કલાકો નક્કી કરવા બાબતે શરૂ થયેલું આંદોલન હવે વેગવંતુ બની રહ્યું છે.ગાંધીનગર ની સત્યાગ્રહ છાવણી ખાતે આજે ત્રીજા દિવસે આ આંદોલનમાં પોલીસ પરિવારના સભ્યો ટસના મસ થયા નથી. તો બીજી તરફ રાજ્ય સરકારે આ મુદ્દો ઉકેલવા મથામણ શરૂ કરી છે.આ તબકકે આંદોલન સ્થળ ઉપર બેઠેલા પોલીસ પરિવારના સભ્યોએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સરકારી મોંઘવારી પ્રમાણે ગ્રેડ પે વધારવો જોઈએ કારણકે વધતી જતી મોંઘવારી અને ઓછા પગાર ધોરણોના કારણે પોલીસ કર્મચારીઓ ને તેમના પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવવું તે એક મોટો પ્રશ્ન છે. એટલું જ નહીં મક્કમ નિર્ધાર સાથે શરૂ થયેલું આ આંદોલન હવે માગણીઓ સ્વીકાર્યા પછી જ પૂરું થાય તેવું સ્પષ્ટ સંકેત આંદોલનકારીઓમાં દેખાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આજે પ્રધાનમંડળની બેઠકમાં પણ આ મુદ્દાની ચર્ચા વિમર્શ કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ આંદોલનકારીઓ દ્વારા માંગણીઓના મુદ્દા લખીને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને રૂબરૂ મળવા માટે આયોજન કર્યું છે . ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ દિવસથી ગાંધીનગર ખાતે શરૂ થયેલા આંદોલનમાં પોલીસ પરિવારની મોટા ભાગની બહેનો એ એવી કેફિયત વર્ણવી હતી કે દિવાળીનો તહેવાર નજીક છે. એટલું જ નહીં હાલમાં બાળકોની શાળાઓમાં પરીક્ષાઓ પણ ચાલી રહી છે. ત્યારે દિવાળી નું ઘર કામ પડતું મૂકી મહિલાઓ આંદોલનમાં જોડાઈ છે .એટલે કે પોલીસ પરિવાર હવે પોતાના પ્રશ્નોનું નિરાકરણ લાવવા આજે ત્રીજા દિવસે પણ મક્કમ બની સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં ઉપર બેઠા છે .જોકે સરકાર હવે આંદોલનકારીઓ સાથે બેઠક કરીને શું નિરાકરણ લાવે છે તે જોવું રહ્યું પરંતુ પોલીસ પરિવાર ગ્રેડ પે અને કામના કલાકો સહિત પડતર મુદ્દાઓ ઉકેલવા માટે કટિબદ્ધ બન્યા છે. રાજ્ય સરકાર પોલીસ કર્મચારીઓના પગાર મુદ્દે કોઈ નિર્ણય નહીં કરે તો આગામી દિવસોમાં ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે પ્રત્યેક જીલ્લાના પોલીસ પરિવારો ગાંધીનગર ઉમટી પડશે અને એક એક દિવસના ઉપવાસ સાથે અન્ય સરકાર વિરોધી કાર્યક્રમો આયોજિત કરે તો નવાઈ નહીં જોકે ગાંધીનગરમાં એક એવી ચર્ચા ચકડોળે ચઢી છે કે આ આંદોલન પૂરું કરવા માટે હવે ગૃહ વિભાગ ઉચ્ચ અધિકારીઓને વિશેષ જવાબદારી સોંપી શકે છે જોકે અડગ મન ધરાવતા પોલીસ પરિવારના સભ્યો હાલ સરકાર મંત્રણા કરે અને તેનું ઝડપથી નિરાકરણ કરે તેવી આશા સાથે મીટ માંડીને બેઠા છે. ત્યારે હવે સરકાર વાટાઘાટો માટે ક્યારેય બોલાવશે તે જોવું રહ્યું