એ દિવસ દૂર નથી કે, શહેરની ફૂટપાથની જેમ ડિવાઈડર પણ દેખાતાં બંધ થઈ જશે! બસ સ્ટેશન માર્ગે વરસાદી પાણી નિકાલની કેનાલ પણ દબાવાશે?

શહેરમાં દબાણકારો બેફામ બનતાં હવે દબાણ માટે કોઈ સ્થળ ન હોવાથી ભુજના બસ સ્ટેશન માર્ગ વચ્ચે આવેલી વરસાદી પાણી નિકાલની કેનાલ પર નાળિયેરના ધંધાર્થી ગોઠવાયા છે. હવે એ દિવસ દૂર નથી કે, શહેરની ફૂટપાથની જેમ ડિવાઈડર પણ દેખાતાં બંધ થઈ જશે.સૂત્રોના જણાવ્યા અનુસાર તંત્ર દ્વારા ભુજમાં લારી-ગલ્લાંવાળાઓને જાણે છૂટોદોર અપાયો હોય તેમ આવા ધંધાર્થીઓ બેફામ બન્યા છે. માત્ર ખાલી જગ્યા નજરે પડે કે તરત જ તે જગ્યાએ ધંધાર્થી ગોઠવાઈ જાય. શહેરમાં હવે કોઈ જગ્યા બચી ન હોય તેમ નાળિયેરના એક ધંધાર્થીએ બસ સ્ટેશન વિસ્તારમાં માર્ગની વચ્ચે આવેલી વરસાદી પાણી નિકાલની કેનાલ પર વેપાર શરૂ કર્યો છે.આ કેનાલની બન્ને તરફ ગ્રાહકો નાળિયેર ખરીદવા ઊભતાં પસાર થતા વાહનચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરાંત ગમે ત્યારે ગંભીર અકસ્માતની ભીતિ પણ જાગૃતો વ્યકત કરી રહ્યા છે. નાના ધંધાર્થીઓનો વિરોધ ન હોય પરંતુ તેમણે કમસે કમ માર્ગની બાજુએ કોઈને નડતર ન હોય તેવી રીતે વ્યવસાય કરવો જોઈએ અને હજારો શહેરીજનોને સતાવતી ટ્રાફિક સમસ્યા ઉકેલવા જવાબદાર તંત્ર આવા દબાણકારોને લોકોને નડતરરૂપ ન થાય તે રીતે બેસવા ફરજ તો પાડી જ શકે તેવું જાગૃતો જણાવી રહ્યા છે.’