નલિયામાં શિયાળાનો પગ પેસારો, 15.4 ડિગ્રી સાથે રાજ્યમાં સૌથી ઠંડું

શુક્રવારે રાજ્યભરમાં સૌથી ઠંડા રહેલા નલિયામાં શિયાળો પગ પેસારો કરી રહ્યો તેમ બીજા દિવસે ન્યૂનતમ પારો એક આંક નીચે ઉતરીને 15.4 થતાં મોખરાના ઠંડા નગર તરીકે બરકરાર રહ્યું હતું. બીજી બાજુ ભુજમાં ગરમી આંશિક ઘટી હતી તેમ છતાં 35.8 ડિગ્રીએ રાજ્યમાં અવ્વલ ક્રમે ગરમ શહેર બન્યું હતું. શિયાળામાં સતત ઠંડા રહેતા નલિયામાં દિવાળી પહેલાં જ શિયાળો પ્રવેશતો જણાઇ રહ્યો છે. સપ્તાહના આરંભથી જ નીચું તાપમાન 17 ડિગ્રી નીચે રહેતાં લોકો ગરમ વસ્ત્રો કાઢવાની તૈયારી કરી રહ્યા છે. શનિવારે 15.4 ડિગ્રી જેટલા નીચા પારાએ રીતસર ઠંડી અનુભવાઇ હતી. જો કે મહત્તમ 34.4 રહેતાં મિશ્ર મોસમ જારી રહી હતી. સતત ચોથા દિવસે રાજ્યમાં ગરમ રહેલા જિલ્લા મથક ભુજ ખાતે મહત્તમ 35.8 ડિગ્રી રહ્યું હતું જ્યારે મોડી રાત્રે 20.4 ડિગ્રી સાથે ઠંડક પ્રસરી હતી. રાજ્યમાં ત્રીજા ક્રમે ઠંડા બનેલા કંડલા એરપોર્ટ મથકે લઘુતમ 16.9 રહેતાં શિયાળો દસ્તક દેતો જણાયો હતો તો મહત્તમ 34.8 ડિગ્રી સાથે ગરમીમાં રાહત રહી હતી. કંડલા બંદરે ઉંચું ઉષ્ણતામાન 34.5 અને નીચું 19 ડિગ્રી નોંધાયું હતું. કારતક માસને આડે હવે સપ્તાહ કરતાં ઓછો સમય હોતાં શિયાળો ધીરે ધીરે પક્કડ જમાવતો જણાય છે પણ મહત્તમ તાપમાનમાં કોઇ નોંધપાત્ર ઘટાડો નહિ થાય તેમ હવામાન વિભાગ દ્વારા જણાવાયું હતું.