ગાંધીધામ-અંજારમાં લક્કી ડ્રોની યોજનાના નામે 172 લોકો સાથે 20.64 લાખની ઠગાઇ

દર મહિને 1 હજાર રૂપિયા ભરી લક્કી ડ્રોની યોજનામાં જોડાવાના નામે ગાંધીધામ અને અંજારમાં 172 જેટલા લોકો સાથે 20 લાખ 64 હજારની મતાની ઠગાઈ કરનાર ‘બંટી ઔર બબલી’ દંપતી સામે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનાહિત છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમો ઉપરાંત ધ ગુજરાત પ્રોટેક્શન ઑફ ઈન્ટરેસ્ટ્સ ઑફ ડીપોઝીટર્સ એક્ટની કલમો તળે વિરુધ્ધ ગુનો નોંધ્યો છે. આ અંગે જાણવા મળતી વધુ વિગતો અનુસાર ગત ઑગસ્ટ 2020માં ગાંધીધામ શહેરના ભારત નગરમાં રહેતાં સરફરાઝ સૈયદે પારેખ બજારમાં એ.આર.એન્ટરપ્રાઈઝ નામની પેઢીના નામે ‘મન્નત’ નામની લક્કી ડ્રો યોજના શરૂ કરી હતી. યોજનામાં જોડાનારે એક વર્ષ સુધી માસિક 1 હજાર રૂપિયા ભરવાના હતા. દર મહિને લક્કી ડ્રો યોજાતો. જેમાં 1 લાખ રોકડાથી લઈ ટાટા નેનો કારની ગિફ્ટ મળતી. જો આખું વર્ષ ઈનામ ના મળે તો વર્ષના અંતે રોકાણકારને તેણે ભરેલાં 12 હજાર સામે તેટલી કિંમતની સોનાની વીંટી મળશે તેવી સૈયદે રોકાણકારોને બાહેંધરી આપી હતી. આ ઉપરાંત વધુ ને વધુ લોકો પોતાની જાળમાં ફસાવવાના હેતુથી સૈયદે 10 મેમ્બર બનાવનાર એજન્ટને એક ફ્રી કાર્ડ આપવાની લાલચ આપી હતી. અંજાર પાસેના વરસામેડી પાસેની એક ખાનગી કંપનીમાં સિલાઈકામ તરીકે નોકરી કરતાં અંજારના મફતનગરના ફીરોઝ હુસેન મીરે લક્કી ડ્રોથી આકર્ષાઈને 52 મેમ્બર બનાવી 6.24 લાખ જમા કરાવ્યા હતા, જયારે અંજારના મેહબુબ મીર રમઝાને 30 મેમ્બર બનાવી 3.60 લાખ જમા કરાવેલાં. એ જ રીતે, અંજારની સીતાસીંગ રમાશંકર સીંગે 40 મેમ્બર બનાવી 4.80 લાખ જમા કરાવેલાં હતાં. ગાંધીધામના ભારતનગરના ભીખુ મનજી સથવારાએ 39 મેમ્બર બનાવી 4.68 લાખ અને ગાંધીધામના બાબુભાઈ જેઠાભાઈ પરમારે 11 મેમ્બર બનાવી 1.32 લાખ જમા કરાવ્યાં હતા. આ રીતે, સૈયદ 172 લોકોના 20 લાખ 64 હજાર રૂપિયા હજમ કરી ગયો છે. મેમ્બર બનનાર પૈકી કેટલાંકને લક્કી ડ્રોમાં નેનો કાર, 1 લાખ રોકડા, રોયલ એન્ફિલ્ડ બુલેટ 350 જેવા ઈનામ મળ્યાં હોવા છતાં સૈયદે ઈનામ આપ્યું નહિ. સૈયદે ઠગાઈ કરી હોવાનું પામી ગયેલાં એજન્ટો અને ફરિયાદી ફીરોઝ મીર ગત ચોથી ઓક્ટોબરે નાણાંની ઉઘરાણી કરવા ગાંધીધામમાં આવેલાં તેના ઘેર ગયા હતા ત્યારે તેની પત્ની ડોલીએ ઉઘરાણી કરવા આવેલાઓના નામ સ્યુસાઇડ નોટમાં લખી આપઘાત કરી લેવાની ધમકી આપતાં એજન્ટોએ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે આઈપીસી 406, 420, 294 (બી), 506 (2) સાથે ઉપરાંત ધ ગુજરાત પ્રોટેક્શન ઑફ ઈન્ટરેસ્ટ્સ ઑફ ડીપોઝીટર્સ એક્ટની કલમ 3 તળે દંપતી વિરુધ્ધ ગુનો નોંધાવ્યો છે.