ગાગોદર પાસે ટેન્કર પલટી જતાં ધોરીમાર્ગ ઉપર પાંચ કલાક ટ્રાફિકજામ

હરીપર પાસે રેલવે ઓવરબ્રીજના સમારકામના કારણે કચ્છથી અમદાવાદ, રાજકોટ તરફ રસ્તે મહીનાઓ સુધી ટ્રાફીકજામ સર્જાયો હતો. તેમાંથી તો હવે છુટકારો મળ્યો છે પરંતુ આજે લાકડીયાથી પાલનપુર જતા ધોરીમાર્ગ ઉપર અકસ્માતના પગલે કલાકો સુધી લાંબો ટ્રાફીક જામ’ થતા સેકડો વાહનો અટકયા હતાં. આ અંગે મળતી વિગતો મુજબ કંડલાથી દિલ્હી તરફ જતું ટેન્કર આજે સવારના 7 વાગ્યાના અરસામાં ગાગોદર પાસે પલટી ખાઈ ગયું હતું. પલટી ગયેલું ટેન્કર રોડ ઉપર વચ્ચે જ પડી જતા’ રોડ આખો બંધ થઈ ગયો હતો. બનાવની જાણ થતા આડેસર પોલીસના સ્ટાફે ઘટના સ્થળે જઈને ટ્રાફીકને બીજા રોડ તરફ વાળ્યો હતો. ધીમે ધીમે વાહનો બીજા રોડ ઉપર વળતા કરાયા ત્યારે જ સામેના રોડ ઉપર એક વાહન બગડી જતા બીજો રોડ પણ બંધ થઈ ગયો હતો. જેના કારણે બન્ને સાઈડ વાહનોનો ખડકલો થયો હતો.’ ‘ સવારે સર્જાયેલો ટ્રાફીક જામ પોલીસે કલાકો સુધી કામગીરી કરી પુર્વવત કર્યો હતો. બપોરે બે વાગ્યા બાદ ટ્રાફીક પુર્વવત થયો હતો. પલ્ટી ખાઈ ગયેલા ટેન્કરને રસ્તા ઉપરથી દુર કરવા માટે ચાર ક્રેન મંગાવવામાં આવી હતી. આ કામગીરી દરમ્યાન એક ક્રેન ધડાકા સાથે તુટી પડી હતી. ગાગોદરથી પાટણ અને પાલનપુર જતા આવતા વાહનો અટવાયા હતાં. ટ્રાફીક પુર્વવત કરવા માટે’ આડેસર પી.એસ.આઈ. બી.જી. રાવલ અને સ્ટાફ કામગીરીમાં જોડાયો હતો.”