ભુજ સહિત છ શહેર અને નખત્રાણામાં મેલેરિયા તંત્રની 156 ટીમ પોરાનાશક સહિતની કામગીરી માટે ઉતરી પડી

કચ્છમાં વરસાદી માહોલ બાદ મચ્છરજન્ય રોગચાળો મોટા પ્રમાણમાં વ્યાપ વિસ્તારી ચૂકયો છે. વાયરલ તાવ, શરદી-ઉધરસનો ચેપ ઠેર ઠેર નજરે પડી રહ્યો છે. આ પરિસ્થિતિને અંકુશમાં લેવા ભુજ સહિત છ શહેર અને નખત્રાણામાં મેલેરિયા તંત્રની 156 ટીમ પોરાનાશક સહિતની કામગીરી માટે ઉતરી પડી હતી. ભુજમાં 44 ટીમે કામગીરી કરી તેમ છતાંય રહી ગયેલા કેટલાક વિસ્તારોમાં તા.1/11ના ફરી ઝુંબેશ આદરાશે. મલ્ટિપરપઝ હેલ્થ વર્કર અને સુપરવાઈઝર તેમજ કયાંક વધારાના સ્ટાફ સાથેની ટીમો ઉતારાઈ હતી. આ ટીમોમાં ગ્રામ્ય વિસ્તારના કર્મચારીઓ પણ જોડાયા હતા. ભુજમાં તાવના 9 કેસ સહિત જિલ્લાના સાત ગામમાં 251 વાયરલ તાવના દર્દી મળ્યા, જેમનું નિદાન કરી સારવાર અપાઈ હતી. ભુજના મચ્છરજન્ય બીમારીવાળા વિસ્તારો માટે ફાળવાયેલી 44 ટીમે 15,797 લોકોની વસ્તીવાળા વિસ્તારના 4095 ઘરને ચકાસ્યાં હતાં. ડેન્ગ્યુ અને ચિકનગુનિયા ફેલાવતા એડિસ મચ્છર ચોખ્ખાં પાણીમાં પોરા ઉછેરતા અને દિવસે કરડતા હોવાથી ઘરમાં પાણી ભરેલું રહેતું હોય એવાં પાત્રોની ખાસ ચકાસણી કરાઈ, જેમાં 15,034 પાત્રો ચકાસતાં 136માં પોરા દેખાયા હતા. પોરાવાળાં પાત્રો ખાલી કરાવાયાં હતાં, જ્યારે જમીનમાં અને ઉપર રહેલી ટાંકીઓમાં ઓછું પાણી હતું તે પણ ખાલી કરાવાયું, જ્યારે ભરેલી ટાંકીઓમાં દવા નખાઈ હતી.ભુજ ઉપરાંત ગાંધીધામ, અંજાર, ભચાઉ, રાપર, મુંદરા અને નખત્રાણામાં ઝુંબેશમાં કુલ 156 ટીમ ઉતરી હતી.’ ભુજ સહિત 7 નગરની 67,851 વસ્તીને આવરી લેવાઈ. 60,284માંથી 20,473 પાત્રમાં પોરાનાશક દવાનો છંટકાવ કરાયો, તો 15,145 ઘરની ટીમે મુલાકાત લીધી સીડીએચઓ ડો. જે ઓ. માઢકનાં માર્ગદર્શન હેઠળ ઈએમઓ ડો. કેશવ કુમાર અને જિલ્લા મેલેરિયા અધિકારી પ્રકાશભાઈ દુર્ગાણીએ કામગીરીનું નિરીક્ષણ કરી લોકોને મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા સમજાવ્યા હતા. આજની કાર્યવાહી દરમ્યાન ડેન્ગ્યુ કે ચિકનગુનિયા કે મેલેરિયાના નવા કેસ નહોતા મળ્યા. જે તાવના દર્દી મળ્યા, તે વાયરલ તાવના છે. ‘