મુંદરાની બજારમાં દિવાળીનો ઉત્સાહ જોવા મળ્યો

સવાર અને સાંજનો મુંદરા અને બારોઈની મુખ્ય બજારનો સિનારિયો બદલાઈ ગયો છે. મીઠાઈ, રેડીમેડ ગારમેન્ટ, બૂટ-ચપલ, હોઝિયરી અને સુશોભનની વસ્તુઓ ખરીદવા માટે નગરજનો દુકાનો અને શોરૂમમાં પહોંચ્યા છે. બ્રાન્ડેડ વસ્તુઓની સાથે ઓછી કિંમતની નોન બ્રાન્ડેડ વસ્તુઓનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. કોરોનાની મહામારીના કારણે ગત વર્ષે પર્વ ઊજવી શકાયું ન હતું પણ ચાલુ વર્ષે કોરોનાની બીક નથી તેથી ધૂમ ઘરાકી નીકળી છે. પરિણામે ગ્રાહક સાથે વેપારી પણ ખુશ છે. કંઠીપટના ગ્રામ્ય વિસ્તારો એક સમયે ભુજ કે ગાંધીધામ સપરમા દિવસની ખરીદી કરવા જતા, પણ હવે મુંદરા અને બારોઈમાં થયેલા વિશાળ શોરૂમ અને દુકાનોમાંથી જ ખરીદી કરે છે. જેથી ઘરાકી બપોરના 3-4 કલાકને બાદ કરતાં આખો દિવસ રહે છે. બારોઈની મુખ્ય બજાર ઉપરાંત શાંતિનિકેતનવાળા રસ્તે બનેલા શોરૂમમાં નાની-મોટી ખરીદી કરતાં લોકો જોવા મળે છે.જ્યારે તાલુકાના મોટા કહી શકાય એવા ગ્રામ્ય વિસ્તારો ભુજપુર, પત્રી, ગુંદાલા, ભદ્રેશ્વરમાં પણ દિવાળી રોનક જોવા મળે છે.મહાવીર સુપર માર્કેટના દિલીપભાઈએ જણાવ્યું કે, ગિફ્ટ આપવા માટે ડ્રાયફ્રૂટના પેકેટની તૈયારી પૂરી થઈ ગઈ છે. દિવાળી આવતાં-આવતાં ગિફ્ટ આઈટમોની સાથે અન્ય ચીજવસ્તુઓનું પણ સતત વેચાણ થશે. રંગના વેપારી અશ્વિન મહેતા તથા નીતિન શાહે જણાવ્યું કે, વ્યક્તિ નાની હોય કે મોટી ઉજાશના પર્વની ઉમંગભેર ઉજવણી કરતી જ હોય છે. આ વર્ષે પણ ધંધા સારા છે. ખાનગી કંપનીઓના આગમન સાથે વ્યવહાર નિભાવવા માટે ગિફ્ટ પેકેટ અપાય છે. શ્રમિકોને પણ દીપાવલી બોનસ ચૂકવાઈ ગયું છે તેમ પગાર પણ થઈ ગયા છે. છેલ્લા કેટલાક વર્ષોથી શાત્રી મેદાનની વિશાળ જગ્યામાં 60 જેટલા ફટાકડાના સ્ટોલ આવતીકાલથી શરૂ થશે. ગત વર્ષે 25 સ્ટોલ હતા. ફટાકડાના ભાવમાં 5 ટકા વધારો થયો છે. એ.સી. અને પંખા પણ સતત વેચાતા હોવાથી બધા જ ધંધાર્થીઓના સૂરનો સરવાળો `ટનાટન દિવાળી’ છે.સ્થાનિકેથી જ માલ-સામાન ખરીદો તે માટે સતત માર્કેટિંગ હોવા છતાં માત્ર ત્રણ જ ઓનલાઈન વેચાણ કરતી કંપનીઓ પ્રતિદિન અંદાજે 5 હજાર પાર્સલ મુંદરા-બારોઈમાં પહોંચતા કરે છે. ઓનલાઈન ખરીદીએ સ્થાનિક વેપારને અસર કરી છે, પણ એક વર્ગ ઓનલાઈન ખરીદી કરતો નથી. જેથી બજારની રોનક જળવાયેલી રહે છે.’