હાલમાં જ મચ્છર, મેલેરિયા, ડેંગ્યુ સહિતનું પ્રમાણ વધ્યું છે ત્યારે પ્રવાસીઓને આકર્ષવા માંડવી કાંઠો સજ્જ છે પણ દરિયા કિનારે કચરો

ઘણા સમયથી ધંધા-રોજગારમાં મંદી સેવતો પ્રવાસન ઉદ્યોગ નવા વર્ષથી સારા ધંધા-રોજગારની આશા સેવી રહ્યો છે. દેશ-વિદેશોમાં ખ્યાતનામ માંડવી દરિયાકાંઠો સહેલાણીઓને આકર્ષવા તૈયાર છે, તેવું અહીંના સ્થાનિક ધંધાર્થીઓમાંથી જાણવા મળ્યું છે, પરંતુ ખૂટતી કડીઓ ઉપર ધ્યાન અપાય તેવી માંગ કરી હતી. ભરતી અને ઓટ વચ્ચે ઉછળતાં મોજાંની મોજ માણવા આવતા પ્રવાસીઓને આકર્ષવા 70 થી 80 ઊંટ, 50થી 55 અશ્વ, 100થી વધુ વોટર સ્પોર્ટ બાઈક, 30થી 35 સ્પીડ બોટ, 70થી 80 હાથલારી તથા ચણા ચટપટીના વ્યવસાયધારકો, અનેક ફોટોગ્રાફર અને કાયમી ધંધો કરતા રેંકડીધારકો, હોટલ સહિત અનેક ધંધાર્થીને રોજગારી પૂરી પાડતા આ દરિયાકાંઠે બે વર્ષ સુધી મંદ પડેલો આ પ્રવાસન પોઈન્ટ ફરીથી ધમધમે તેવું ઈચ્છી રહ્યા છે. આ અંગે ઊંટમાલિક સિધિકભાઈ સુમરાને પૂછતાં જણાવ્યું હતું કે, હવે કોરોના ઘટતાં સારો ધંધો-રોજગાર મળશે, તો હાલમાં પ્રવાસીઓના આવાગમન અંગે પૂછતાં જાણવા મળ્યું કે હાલમાં તો પ્રવાસીઓથી ધંધાર્થીઓ વધુ છે અને શાળાઓમાં પરીક્ષાઓ ચાલુ હોતાં બપોર બાદ પ્રવાસીઓ દેખાય છે. પરંતુ પરીક્ષા પૂર્ણ થતાં વધુ પ્રવાસી આવશે તેવી આશા વ્યક્ત કરી હતી. સ્પોર્ટ બાઈકના રામભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે, પેટ્રોલ, ડીઝલ અને મોંઘવારી વધતાં તેની અસર પ્રવાસીઓ પર રહેશે, પરંતુ એક વર્ગ એવો છે જે હરવા ફરવામાં જ માને છે, તે જરૂર આવશે અને સારી રોજીરોટી પણ મળશે. નવા વર્ષના દિવસે હજારોની જનમેદની વચ્ચે અમુક પ્રવાસીઓ દરિયાનાં ઉછળતાં મોજાંની મજા માણવા નહાવા પડતા હોય છે અને આ દરિયામાં ખાડા-ખાબોચિયાં હોતાં છેલ્લા ત્રણ-ચાર વર્ષથી જોખમી બનાવ બની ચૂક્યા છે. ગત બે વર્ષ તો સ્પીડ બોટ ઊથલતાં અનેક પ્રવાસીઓના જીવ માંડ-માંડ બચ્યા હતા. ત્યારે નવા વર્ષના આવા જોખમી બનાવ ન બને તે માટે તંત્ર જાગૃત બને અને સીમાચિહ્ન લગાવાય તે જરૂરી હોવાની માંગ ઊઠી છે. અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ દરિયાકાંઠાની સફાઈ કરવા આવે છે. તો તંત્ર દ્વારા વાર્ષિક કોન્ટ્રાક્ટ સફાઈ માટે અપાતો હોય છે, તો તે અંગે શું તેને જાણ નથી. ત્યારે તંત્ર જાગે અને પ્રવાસીઓએ પણ કચરો કચરાપેટીમાં નાખવો તે સર્વેની જવાબદારી બને છે. હાલમાં જ મચ્છર, મેલેરિયા, ડેંગ્યુ સહિતનું પ્રમાણ વધ્યું છે ત્યારે નવા વર્ષે ભીડ વચ્ચે સ્વચ્છતા રખાય તે જરૂરી હોવાની જાગૃતોએ માગણી કરી હતી.’