નાલસા યોજના અંતર્ગત ૨જી ઓક્ટોબર૨ થી ૧૪મી નવેમ્બર ૨૦૨૧ સુધી કાનૂની સેવા-જાગૃતિ ઝુંબેશ



સર્વોચ્ચ અદાલતના નામદાર ન્યાયમૂર્તિ ઉદય ઉમેશ લલિતજીના અધ્યક્ષ સ્થાને શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી ખાતે પાન ઇન્ડિયા લિગલ અવેરનેશ એન્ડ આઉટરીચ કેમ્પેઇન પ્રોગ્રામ યોજાયો હતો. આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે નાલસા યોજના ૨૦૧૫ અંતર્ગત બાળકો અને તેઓના સંરક્ષણ માટે બાળમૈત્રી પૂર્ણ કાનૂની સેવાઓ, અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે કાનૂની સેવાઓ, ગેરકાયદેસર માનવ વેપાર અને વાણિજિયક યોનશોષણ પીડિતો માટે, નશા પીડિતોને કાનૂની સેવાઓ અને નશા નાબુદી માટેની કાર્યવાહીની આ યોજના હેઠળ નાલસા અભિયાનમાં રાષ્ટ્રીય સ્તરે ચાલતા કાનૂની સેવા કેમ્પેઇન અને જાગૃતિ કેળવણી કાર્યક્રમ અંતર્ગત આ કાર્યક્રમ યોજાયો હતો. મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી ૨જી ઓકટોબર ૨૦૨૧ થી ૧૪મી નવેમ્બર ૨૦૨૧ સુધી ચાલનારા નાલસાના આ રાષ્ટ્રીય કાર્યક્રમમાં આજે રાજ્ય સ્તરે કચ્છના ભૂજ ખાતે સુપ્રીમકોર્ટના નામદાર જસ્ટિસ મા. ઉદય ઉમેશ લલિતે અધ્યક્ષ સ્થાનેથી જણાવ્યું હતું કે, “ નાગરિકોમાં પોતાના અધિકારો અને હકોની જાણકારીની જાગૃતિ આવે અને તેનો ઉપયોગ કરવાની જાગૃતિ કેળવાય તે આ કાર્યક્રમનો ઉદ્દેશ છે.” કુદરતી વિધિઓમાં પણ દઢ સંકલ્પથી બીજીવાર ઉભા થઈ જાય તેવા કચ્છમાં હોવાનું ગૌરવ છે. એમ જણાવી નામદાર ન્યાયમૂર્તિ સુપ્રીમ કોર્ટ અને નાલસા એક્ઝિક્યુટિવ ચેરમેનએ વધુમાં જણાવ્યું હતું કે, “સર્વને સમાન ન્યાયના અધિકારની જાગૃતિ અને છેવાડાના લોકો ન્યાનની જાણકારી પહોંચાડવાના આ રાષ્ટ્રવ્યાપી અભિયાન માં સમાન ન્યાય, મહિલા સશક્તિકરણ અને માનસિક દિવ્યાંગોને સામાજના મુખ્ય પ્રવાહમાં લાવવાનો પ્રયાસો પણ કરાશે.” શિક્ષણના મૂળભૂત અધિકારથી જાગૃતા કેળવીને ગ્રામ્ય અને શહેર તેમજ છેવાડાના દરેક વ્યક્તિને જ્યાં પોતાના અધિકાર કે કાયદાની જાણકારી નથી. ત્યાં સમગ્ર રાષ્ટ્રમાં ત્રણ તબક્કામાં મફત કાનૂની સહાય અને તેમના મૂળભૂત હક્કોની જાણકારી આપી ન્યાય અને કાયદા માટે લોકોને નાલસા દ્વારા જાગૃત કરાશે. આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ પ્રજા અને તેમના મળતા અધિકારો વચ્ચેના શૂન્યવકાશને પૂરવાનો પ્રયાસ વિવિધ વિભાગો અને સંસ્થાઓના સંકલનથી કરાઇ રહ્યો છે. નામદાર સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ એમ.આર.શાહે અતિથિ પદેથી જણાવ્યું હતું કે, ” પ્રજા પોતાના અધિકાર, કાયદા, યોજનાઓ, મળતા લાભો અને કાયદાકીય સેવા અંગે માહિતગાર થઈ તેનો ઉપયોગ કરે. ગુણવત્તાયુક્ત મફત કાનૂની સહાય અને સેવાઓથી સૌ માહિતગાર થાય તે માટેનો આ પ્રયત્ન છે. ન્યાયલય તમારે આંગણે આવી જરૂરમંદોને ન્યાય માટે જાગૃત કરે છે. દરેકે આનો લાભ લઇ ઉપયોગ કરો અને અન્યત્ર પણ તેની માહિતી-જાણકારી ફેલાવવી જોઇએ. વધુમાં વધુ લોકો આનો ઉપયોગ કરી કાયદાનો લાભ લે એમ પણ તેમણે જણાવ્યું હતું. ગુજરાત રાજ્ય ઉચ્ચ અદાલતના નામદાર મુખ્ય ન્યાયમૂર્તિ અરવિંદકુમારે જણાવ્યું હતું કે, ” ન્યાયથી વંચિતોના ઘર સુધી ન્યાય પહોંચાડવાનો નિર્ધાર છે. આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ રાજ્યના ૨૯ જિલ્લામાં ૨જી ઓક્ટોબરથી ૧૪મી નવેમ્બર સુધી ત્રણ વાર જાગૃતિ કાર્યક્રમ મીડિયાના વિવિધ માધ્યમો, જનસંપર્ક અને ટેકનોલોજીના માધ્યમથી ચાલી રહ્યો છે. જેમાં પ્રથમવારનો રાઉન્ડ પૂર્ણ થયેલ છે યુવાન સામાજિક સંસ્થાઓ પણ આમાં સક્રિય ભાગ લઇ કાયદાકીય અને ન્યાયની જાગૃતિ માં જોડાઈ રહ્યા છે. ‘નાલસા’ હેઠળના અભિયાનને રાજ્યમાં આવકાર મળી રહ્યો છે. નામદાર ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ અને રાજ્ય કાનુની સેવા સત્તા મંડળના એક્ઝિક્યુટિવ અધ્યક્ષ આર.એમ.છાયાએ જણાવ્યું હતું કે, ” પ્રેઝન્સ એક્રોસ નેશન ‘પાન’ રાષ્ટ્રિય કાનૂની સેવા સત્તા મંડળ, રાજ્ય અને જિલ્લાના કાનુની સેવા સત્તા મંડળ દ્વારા સર્વને સમાન ન્યાયના અધિકારની જાગૃતિ ન્યાયથી વંચિતોના ઘર સુધી ન્યાય પહોંચાડવાના નિર્ધાર સાથે આયોજિત અભિયાનમાં ૩ કરોડથી વધુ લોકોનો ડોર ટુ ડોર સંપર્ક કરાયો છે. વિવિધ પ્રચાર પ્રસાર માધ્યમો દ્વારા કાયદા અને ન્યાયના અધિકારોએ સૌને માહિતગાર કરવાનો 30 મો દિવસ છે. નામદાર ગુજરાત હાઇર્કોટના ન્યાયમુર્તિ અને એડમીનીસ્ટ્રેટીવ હેડ ઉમેશભાઈ ત્રિવેદીએ પ્રાસંગિકમાં જણાયું હતું કે, ” રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આયોજિત આ અભિયાનમાં કાયદો અને ન્યાય પ્રક્રીયા માટે જાગૃતિ ફેલાવવાની કામગીરી કરાઈ રહી છે. કાનૂની જાગૃતિ ફેલાવવાના આશયને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. સ્વાગત પ્રવચન નામદાર ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ અને હાઈકોર્ટ લીગલ સર્વિસ કમિટીના ચેરપર્સન સોનિયાબેન ગોકાણીએ કર્યું હતું. તેમજ આભારવિધિ અને જિલ્લાના કેન્દ્ર બાબતની વિગતો કચ્છ જિલ્લાના મુખ્ય ન્યાયાધીશ એચ.એસ.મુલિયાએ કરી હતી. આ તકે ઉપસ્થિત મહાનુભાવોએ જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ અંગેના ‘પોક્સો’ કાયદાની પુસ્તિકાનું અનાવરણ કર્યું હતું. માનવજ્યોત સંસ્થા દ્વારા માનસિક સ્વસ્થતા કેળવાયેલા પાંચ લાભાર્થીઓને સ્વગૃહે પરત કરવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના પેરાલીગલ વોલેન્ટિયર્સ દ્વારા શ્રદ્ધા ફાઉન્ડેશનને સોપતા લાભાર્થીઓનુ સુતરની આંટી પહેરાવી મનોબળ વધાર્યું હતું. મહાનુભાવોએ ‘નાલસા’ની અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને સહાય પૈકી ૧૬૦૦ અગરિયા પરિવારોને અનાજ કીટ અપાઇ છે. જેના પ્રતિક રૂપે પાંચ લાભાર્થીને અનાજકીટ વિતરણ કરી હતી. જિલ્લા સંકલિત બાળ વિકાસ યોજના સાથે રહી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને રોટરી ક્લબ ફ્લેમિંગો સાથે રહી કુપોષિત બાળકોને પોષણકીટ અપાઇ હતી. તેમજ સેક્સ્યુઅલ એસોલ્ટના ગુનાનો ભોગ બનેલ મહિલાઓને કોમ્પેન્સેશન અપાયું હતું. આ તકે ઉપસ્થિત મહાનુભાવોએ કાર્યક્રમના પ્રદર્શન અને સ્ટોલની જાત માહિતી મેળવી હતી. અન્ય જિલ્લાના માનનીય ન્યાયમૂર્તિઓ, રાષ્ટ્રીય, રાજ્ય અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ધારાશાસ્ત્રીઓ, ન્યાયઅધિકારીઓ, પેરાલીગલ વોલેન્ટિયર્સ, સેવાભાવી સંસ્થાઓ, લાભાર્થીઓ સાથે આ કાર્યક્રમમાં સર્વ જિલ્લા કલેકટર પ્રવિણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, જિલ્લા પોલીસ અધિક્ષક મયુર પાટીલ અને સૌરભસિંઘ, પ્રાંત અધિકારી અતિરાગ ચપલોત, જિલ્લા સરકારી વકીલ કલ્પેશભાઈ ગોસ્વામી, સિવિલ સર્જન ડો. કશ્યપ બુચ, કચ્છ યુનિ.ના વાઇસ ચાન્સેલર જયરાજસિંહ જાડેજા, મામલતદાર ચંદ્રવદન પ્રજાપતિ તેમજ વહીવટી તંત્રના અધિકારીઓ નગરજનો સાથે ઉપસ્થિત રહ્યા હતા.