મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ૩જી નવેમ્બરે સેનાના જવાનો સાથે દિવાળી ઉજવશે

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ૩જી નવેમ્બરે સંભવિત કચ્છની મુલાકાતે આવનાર છે. તેઓ કચ્છના ધોરડો ખાતે સરહદી વિસ્તારમાં હંમેશા સરહદ પર તૈનાત અને દુશ્મનો સામે આપણા દેશની રક્ષા કરતા આર્મી, BSF, એરફોર્સ,એસ.આર.પી,  કોસ્ટ ગાર્ડના જવાનો તેમજ ગુજરાત પોલીસ અને NCC સાથે મળીને તેમની સાથે વાર્તાલાપ કરશે. તેમને દિપાવલીના પર્વ નિમિત્તે મીઠાઈ આપીને શુભેચ્છાઓ પાઠવશે. આ ઉપરાંત ધોરડો ખાતે યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે અને તેમની ઉપસ્થિતિમાં જવાનો સાથે આતિશબાજીનો કાર્યક્રમ પણ યોજાશે.તા.૩ નવેમ્બર-૨૦૨૧ના સાંજે ૪ કલાકથી  શરૂ થનાર આ કાર્યક્રમના પ્રસંગે મુખ્યમંત્રીની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ સહભાગી થશે. ધોરડો ખાતેના કાર્યક્રમને લઈને તૈયારી અને આયોજન અર્થે કલેક્ટર પ્રવીણા ડી.કે.ના અધ્યક્ષ સ્થાને સંબંધિત અધિકારીઓની બેઠક પણ આ તબક્કે આજરોજ યોજાઇ હતી.