કચ્છમા ગયા વર્ષની તુલનાએ આ વર્ષે ખરીદીમાં ત્રીસેક ટકાનો વધારો નોંધાયો

બજારના વર્તુળોના જણાવ્યા અનુસાર ગયા વર્ષની તુલનાએ આ વર્ષે ખરીદીમાં ત્રીસેક ટકાનો વધારો નોંધાયો હતો અને એકંદર ખરીદી કોવિડ પૂર્વેના સમયની નજીક પહોંચી હતી. અલબત્ત, મંદી અને મોંઘવારીને પગલે લોકોએ બજેટમાં ગોઠવાય એ રીતની ખરીદી કરી હતી. તો બીજીતરફ આજની ખરીદીમાં ક્યાંક આગામી લગ્નસરાના પ્રી-બુકિંગનો પણ ફાળો હતો.પુષ્ય નક્ષત્રમાં ગ્રાહકોએ સારી એવી સોના-ચાંદીની ખરીદી કરી હોવાથી સોના-ચાંદીના વેપારીઓને એમ હતું કે, ધનતેરસના આના કારણે થોડી ઘટ આવશે, પરંતુ ધમધોકાર ખરીદી થતાં વેપારીઓ ખુશ થઇ ગયા હોવાનું કચ્છ બુલિયન ફેડરેશનના પ્રમુખ જગદીશભાઇ ઝવેરીએ જણાવી વધુમાં ઉમેર્યું કે, આમ સવારથી જ ઘરાકી શરૂ થઇ ગઇ હતી, પરંતુ વાઘ બારસ અને ધનતેરસની બકત્રકના’ લીધે બપોરે બાર વાગ્યા બાદ ગ્રાહકોની ભીડ જામવા લાગી હતી અને છેક રાત સુધી સોના-ચાંદીની દુકાનો ધમધમી હતી. જેથી સારા શુકને રીતસરનો રંગ દેખાડી દીધો હતો. આજની ખરીદીમાં સોના-ચાંદી નિયમિત પરચૂરણ વસ્તુઓનો સારો એવો ઉપાડ હતો, દરમ્યાન સોનાના ભાવ ઐતિહાસિક ઊંચાઇ સુધી અડયા બાદ સારા પ્રમાણમાં હાલ નીચે આવતાં અને કોરોનાકાળના લીધે રોકડ કરતાં સોના-ચાંદીની કિંમતનું મહત્ત્વ લોકો સમજવા લાગ્યા હોવાથી અનેક લોકો સોનામાં રોકાણ કરવા પ્રેરાયા છે. આથી આજના શુકનમાં સોના-ચાંદીના સિક્કાની ખરીદીમાં પણ સારો એવો ઉછાળો આવ્યો હતો અને બપોર બાદ તો સોનાના નાના સિક્કા પણ બજારમાંથી ખતમ થઇ ગયાના અહેવાલો મળ્યા હોવાની જાણકારી શ્રી ઝવેરીએ આપી હતી. ભુજના અગ્રણી વેપારી હિતેશ પ્રભુદાસભાઇ સોનીના જણાવ્યા અનુસાર બજારમાં આજે સારી ઘરાકી જોવા મળી છે. હકીકતમાં લોકોએ દોઢ વર્ષથી પ્રસંગો માણ્યા નથી અને હવે કોરોના ઘટી ગયો છે ત્યારે લોકો ઉમંગથી બજારમાં નીકળ્યા છે. દાગીનાની ખરીદી સારી દેખાઇ છે, તો રોકાણના હેતુથી લગડીમાં પણ સારી ખરીદી થઇ છે. ગાંધીધામના વેપારી પરેશભાઇ મડૈયાર કહે છે કે, નવરાત્રિથી ધનતેરસ સુધી અહીં બજાર થોડી ઠંડી હતી પણ આજે સારી ઘરાકી નીકળી છે. લોકોએ પોતાના બજેટ મુજબ હળવી વસ્તુની ખરીદી વધુ કરી છે. ગત વર્ષની તુલનાએ તો ચિત્ર સારું છે પણ કોરોના પહેલાંની વાત કરીએ તો હજીય 25 ટકા ઓછી ખરીદી લેખાય. દરમ્યાન પશ્ચિમ કચ્છના મુખ્ય મથક નખત્રાણાની બજારમાં દિવાળીની વિવિધ ખરીદી માટે તાલુકાના ગ્રામ્ય વિસ્તારો તેમજ વાડીઓમાં શ્રમજીવી ખેતમજૂરી કરતા આદિવાસી પરિવારો તથા નગરજનો ઊમટતાં દિવાળીની રોનક જોવા મળી હતી, તો કોરોનાના કપરા કાળ પછી બજારોમાં ભારે ભીડ જોવા મળતાં ગ્રાહકરાજા દેખાતાં વેપારીઓમાં વેપારના કારણે ખુશી જોવા મળી હતી. આમ તો આ હરિયાળા પંથકમાં ખેતપેદાશ વેચાતાં તેમજ ખતમજૂરો-નોકરિયાતના હાથમાં તેમાંય એક તારીખથી રકમ આવતાં આ વરસે દિવાળીની રોનક દેખાઇ છે.’