રાપરમાં દિવાળીના તહેવાર દરમ્યાન સફાઈ સઘન બનાવવા માંગ

શહેરમાં દિવાળીના તહેવારો દરમ્યાન બજારમાં સ્વચ્છતાની કામગીરી સઘન બનાવવા અને શહેરમાં જર્જરિત થયેલી વીજરેષા બદલવા અંગે વ્યાપારી સંસ્થા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સંબંધિત તંત્રો સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. સુધરાઈના મુખ્ય અધિકારીને સફાઈ સંદર્ભે પાઠવાયેલા પત્રમાં ચેમ્બર પ્રમુખ શૈલેષ વી. શાહ અને મહામંત્રી પ્રકાશ એચ. પટેલે દિવાળીનાં પર્વ દરમ્યાન શહેરની બજારમાં દિવસ દરમ્યાન વધુ સફાઈ કરાવવા અનુરોધ કર્યો છે. રાત્રિ દરમ્યાન ગટરની ચેમ્બરોની સફાઈ કરાવવા’ પણ માંગ કરાઈ છે, જેથી દિવસ દરમ્યાન બજારમાં ગટર ઉભરાવવાની કોઈ સમસ્યા સર્જાય નહીં. આ ઉપરાંત રાત્રિ દરમ્યાન બજારમાં ધૂળ ન રહે તે માટે બ્રશથી સફાઈ કરાવવાની માંગ’ પત્રમાં કરવામાં આવી છે.’ શહેરમાં જર્જરિત થયેલી વીજરેષાનાં કારણે અવાર નવાર સર્જાતા વીજવિક્ષેપ અંગે વીજતંત્રના નાયબ કાર્યપાલક ઈજનેર સમક્ષ વધુ એક વખત રજૂઆત કરવામાં આવી છે. શહેરનાં વીજપોલ અને વાયરો જર્જરિત બની ગયા છે. જેનાં કારણે અવારનવાર વીજપુરવઠો ખોરવાતો રહે છે. શહેરમાં વીજવિક્ષેપ સામાન્ય બાબત બની ગઈ છે. સતત સર્જાતી આ સમસ્યાથી શહેરીજનો ત્રસ્ત બની ગયા’ છે. શહેરને આ સમસ્યામાંથી છૂટકારો અપાવવા ત્વરિત ઘટતી કાર્યવાહી કરવા ભારપૂર્વકની રજૂઆત કરવામાં આવી છે.’