મીઠીરોહર પાસે પેટ્રોલ પંપમાં જ ભેળસેળ, 23.37 લાખનો જથ્થો જપ્ત

તાલુકાના મીઠીરોહર ગામની સીમમાં આવેલા પેટ્રોલ પંપમાં બેઝ ઓઈલ કે બાયોડીઝલ મિકસ કરી તેનું વેચાણ કરતા બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. મિક્સિંગવાળું ઈંધણ વેચતા આ શખ્સો પાસેથી રૂા. 23,37, 500નો 42,500 લિટર જથ્થો મળી આવ્યો હતો. ગાંધીધામ-ભચાઉ ધોરીમાર્ગ ઉપર મીઠીરોહરની સીમમાં થોડા દિવસ પહેલાં પી.આઈ. સુમિત દેસાઈ અને ટીમે લાખોનું બેઝ ઓઈલ પકડી પાડયા બાદ ગઈકાલે સાંજે સ્થાનિક પોલીસ ફરીથી આ વિસ્તારમાં ત્રાટકી હતી. મીઠીરોહર સીમ સર્વે નંબર 265/1 પ્લોટ નંબર 4માં આવેલા બંસલ કાર્ગો મૂવર્સના નામના પેટ્રોલ પંપમાં મિશ્રિત ઈંધણ વેચાતું હોવાની પૂર્વ બાતમી પોલીસને મળી હતી.આ પંપ ઉપર છાપો મારી બે ઈલેક્ટ્રિક મીટર (લિટરની ક્ષમતા માપણી મશીન)માં લાગેલા નોઝલમાંથી ઈંધણ લેવામાં આવ્યું હતું. આ ઈંધણ બેઝ ઓઈલવાળું મિશ્રિત ઈંધણ હોવાનું બહાર આવ્યું હતું.જેથી પેટ્રોલ પંપમાં આવેલા 30,000 લિટરની ક્ષમતાવાળા બે મોટા ટાંકા સીલ કરવામાં આવ્યા હતા. તેની ઉપરના પાઈપ તથા ઈલેકિટ્રક મીટર પણ સીલ કરી દેવામાં આવ્યા હતા. આ બંને મોટા ટાંકાઓમાં રહેલું રૂા. 23,37,500નું 42,500 લિટર મિશ્રિત ઈંધણ સીલ કરાયું હતું. પંપ ખાતે બેઝ ઓઈલ મિશ્રિત ઈંધણનો સંગ્રહ કરી તેનો વાહનોમાં વપરાશ કરી લોકોના સ્વાસ્થ્યને નુકસાન થાય તે રીતે હવાને દૂષિત કરાતી હતી. આવું કૃત્ય કરનારા પંપના માલિક તથા સંચાલક ગાંધીધામ સેકટર-4, પ્લોટ નંબર 78માં રહેતા વિકાસ રતનલાલ બંસલ તથા આ પંપ ઉપર રહેતા શિવજી ખુમા રબારી વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો.આ વિકાસ બંસલ કન્ઝયુમર પંપ તરીકેનું કલાસ બીનું લાયસન્સ ધરાવતો હોવાનું પોલીસે જણાવ્યું હતું. ઈંધણ તરીકે વપરાતું આ બેઝ ઓઈલ લોકોના સ્વાસ્થ્ય અને વાતાવરણ માટે નુકસાનકારક હોવાથી સરકારે તેના ઉપર પ્રતિબંધ લગાવ્યો છે. પરંતુ અમુક શખ્સો આ કાળો કારોબાર કરવા માટે નિતનવા અખતરા કરતા હોય છે. તે પૈકીનું એક ઉદાહરણ આ છે. આ શહેર અને સંકુલમાં હજુ આવા અન્ય પેટ્રોલ પંપ પણ છે. જેમાં મિશ્રિત ઈંધણ વેચાય છે. થોડા વર્ષો પહેલાં અહીંના મામલતદારે આવા પેટ્રોલ પંપને પકડી પાડી તેને સીલ કરાવ્યા હતા. ત્યારે ફરીથી આવી કામગીરી હાથ ધરવામાં આવે તો આવા કાળા કારોબાર બહાર આવવાની પૂરતી શક્યતાઓ હોવાનું જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું. ‘