કોરોના હળવો થતાં ભચાઉમાં દિવાળીની રોનક

સુઘડતા, સ્વચ્છતા, આનંદ, પર્યટન, ખરીદી, દેવદર્શન, પરિવાર-સ્નેહી-સગાં સાથે શુભેચ્છા-મેળાવડો દિવાળીપર્વ સાથે શક્ય બનતું હોય છે. છેલ્લા 19 માસના ગાળામાં કેટલાક પ્રકારના પ્રતિબંધો હતા, તે મોટાભાગે હળવા થતાં દિવાળીના તહેવારોમાં ખરીદી પર ઉત્સાહ દેખાઇ રહ્યો છે. બે-ચાર દાયકા અગાઉ નવા કપડાં-મીઠાઇ કે ખરીદીનો એક ક્રેઝ-આનંદ હતો. હવે ખરીદશક્તિ મુજબ બારેમાસ નવાં કપડાં કે મીઠાઇ, દરદાગીના, શણગાર થતા રહે છે. ભચાઉની વાત કરીએ તો અહીં ગામડાંથી કારખાના-નોકરિયાત વર્ગ, શ્રમિકોની ધૂમ ઘરાકી રહે છે, જે દિવસે ગિર્દી થકી આ દિવાળીએ રોનક વધારે હોવાનું ફલિત થઇ રહ્યું છે. નગરમાં મોબાઇલની નાની-મોટી 80 જેટલી દુકાનો અને ત્રણ મોટા શોરૂમ છે, તો કાપડ માર્કેટ?આધારિત 150થી 160 જેટલી દુકાન આવેલી છે. રેડિમેઇડ પેન્ટ-શર્ટની 50 દુકાન છે. સોના-ચાંદીના ઘરેણાંની 60 દુકાનમાં 10 મોટા શોરૂમ, તેમાં 15 ઝવેરીઓ કારીગર આધારિત કામગીરી કરી રહ્યા છે. એવું જ મીઠાઇમાં છે. 20 વેપારીઓ પૈકી ચારેક મોટા વેપારી કહી શકાય, જ્યાં સામાન્ય દિવસોમાં દોઢ-બે લાખનો વેપાર થતો હોય છે અને દિવાળીના દિવસોમાં ચાર-પાંચ લાખનો વેપાર થઇ જાય. આ વેપાર ભેટ?આપવા માટે કંપની-કારખાનેદાર-કોન્ટ્રાક્ટર-ઠેકેદારો-સરકારી કચેરીઓમાં વિવિધ સેવા પૂરી પાડતા ઠેકેદારો જથ્થાબંધ માલ ખરીદી રહ્યા છે.જૂનાં બસ સ્ટેશન રોડ ઉપર રેડીમેઇડ જેન્ટ્સ શોરૂમ ધરાવતા અભયભાઇ હાલાણીએ કહ્યું કે, 19 માસના પ્રતિબંધ હળવા થતાં ખરીદીમાં ચમક છે. છેલ્લા ચાર-પાંચ દિવસ રજાઓ-બોનસની રકમ મળતાં અને માહોલ જામતાં ઘરાકી નીકળશે. અત્યારે ઘરાકી ચાલુ થઇ છે. ખેતપેદાશની સારી ઉપજ પછી વિપુલ તક અને તહેવાર પર સારાં કપડાં પહેરવાની પરંપરાને લઇ બ્રાન્ડેડ કંપનીનાં પેન્ટ-શર્ટ 2500થી પ000 સુધી વેચાણ થઇ રહ્યું છે. ભચાઉમાં સાડી-ડ્રેસ મટિરિયલની પણ ખૂબ દુકાનો છે, જેમાં ઘરાકી દેખાઇ?રહી છે. મધ્યમ કક્ષાની રેડીમેઈડ દુકાનોમાં 500થી બે હજાર સુધીની ખરીદી નીકળી છે, તો વહીવટી તંત્ર, નાના કામદારો વિવેક મુજબ કપડાં લઇ માણસોને આપવાનો સિલસિલો યથાવત છે. – મોબાઇલ શોરૂમ : દિવાળીમાં ચાર-પાંચ દિવસ ચારથી પાંચ કરોડના મોબાઇલ અહીં વેચાઇ જશે. અત્યારે ગ્રાહકો પૂછપરછ કરી રહ્યા છે. કરજાથી-લોનથી ઉપાડ પણ વધ્યો છે. તો ઓનલાઇન ખરીદી કરી અને સ્થાનિકે વેચાણ ચાલે છે. ત્રણ મોટા શોરૂમ મોબાઇલના છે, જ્યાં 12 હજારથી દોઢ લાખ?સુધીના મોબાઇલ ઉપલબ્ધ છે. 75થી 80 મોબાઇલની દુકાનોમાં ઘરાકી દેખાઇ રહી છે. પૂજારા ટેલિકોમ પ્રા. લિ. રાજકોટની ફ્રેન્ચાઇઝી ધરાવતા શોરૂમના મયૂર હસમુખભાઈ ચંદેએ કહ્યું કે, નવા વર્ષે આઈ ફોનની ખરીદી સારી નીકળે છે. એચડીબી ફાઈનાન્સ તરફથી સરળ લોન પદ્ધતિ છે. ઓનલાઈન જેમ તહેવારોમાં ડિસ્કાઉન્ટ આપવાથી ખરીદી કરનારો વર્ગ વધ્યો છે. વિવો, સેમસંગ, નોકિયા, રેડમી, વન પ્લસ જેવા મોબાઈલ વેચાઈ રહ્યા છે. નાની-મોટી 70 જેટલી દુકાનોમાં ત્રણસો-ચારસો સાધનોનું વેચાણ થશે એટલે ત્રણ-ચાર કરોડની રકમનો મોબાઈલ વેપાર થશે. તો સાદા ફોન 600 રૂપિયાથી 4 હજાર સુધીમાં કોલિંગ માટે વપરાય છે. ઈયર ફોન, મોબાઈલ કવર જેવી મોબાઈલ એસેસરીઝમાં સારી ઘરાકી નીકળી હોવાનું સી કોમ્પ્લેક્સમાં દુકાન ધરાવતા પાર્થ સુરેશકુમારે જણાવ્યું હતું. પગરખાંની બજાર ધમધમી રહી છે. છૂટક વીસેક – જથ્થાબંધ પાંચ દુકાનોમાં ઘરાકીની ધૂમ દેખાઈ હતી. પેરાગોન, રેલોક્સ સ્ટાન્ડર્ડ કંપનીની સાથે પેટા બ્રાન્ડ-લોકલ કંપની અને લાખ રૂપિયાના મશીનમાં બનતી સ્લીપર – ચપ્પલ પાલનપુરથી આવે અને ધૂમ વેચાય છે. નાનાં બાળકની પણ 200થી 500 રૂપિયા સુધીની ચપ્પલ વેચાય છે. હવે ફેશન, દેખાવ પર માલ વેચાય છે. અઢીસોની સ્લીપર-ચપ્પલ દોઢસોના ભાવમાં વેચાય છે. ત્યાં ગ્રાહકે સંભાળવું પડે. ચીરઈ નાકાં નજીકની એક દુકાને પુષ્કળ ભીડ દેખાઈ. અહીં બારે માસ ભીડ રહેલી હોવાથી ભૂકંપમાં વીસ વર્ષેય કાચી દુકાનમાં કારોબાર ધમધમે છે. સોનીભાઈઓ માટે આવનારું વર્ષ સારું છે. આગામી લગ્નગાળાથી વેપાર નીકળ્યો છે તો ચાંદીના સિક્કા, સાંકળાં, ઝાંઝર કે મંગળસૂત્ર, ચેન, વીંટી, પોચી લેવાવાળો વર્ગ વધ્યો છે. દિવાળી બાદ મુંબઈગરા દેવસ્થાને આવે ત્યારે અહીં ઘરાકી વિકસે છે. આહીર, રબારી, કણબી સમાજમાં પરંપરાગત દાગીના વાગડમાં તૈયાર થાય છે, જેનાં શોરૂમ ધમધમી રહ્યા છે. તો નાની દુકાનોમાં પણ ગત વર્ષની સરખામણીએ ઘરાકી સામાન્ય દેખાઈ રહી છે. મીઠાઈ બહારથી આવતી હોય છે. તો વહેલી સવારે રાજકોટ તરફથી આવતી ગાડીઓમાં દરરોજ માવાના બાચકા ઊતરે છે, જે વાસ્તવિકતા સવારે ઉતરતા આ માવાના કોથળાથી જોઈ શકાય છે. આ વેપારમાં ગામડેથી આવેલાની અઢળક સમૃદ્ધિ ઘણું કહી જાય છે. ખાલી દોઢ-બે કરોડની કાચી જગ્યામાં બેસી સમૃદ્ધિવાળા બંગલા ઘણું કહી જાય છે. આ વરસે મીઠાઈ-ફરસાણ માટે વહીવટી તંત્ર દ્વારા ભાવ-જાહેર નથી કરાયા તે વાસ્તવિકતા છે. મુખ્ય બજાર-વોંધ નાકાં બહાર 50 વર્ષથી જૂની હાથ બનાવટની મીઠાઈ-ફરસાણની દુકાનની ઘરાકી સારી રહે છે, પરંતુ તેમની સમૃદ્ધિ અગાઉના ચાર-પાંચ દાયકા જેવી જ છે તે પણ વાસ્તવિકતા છે. – ખેતપેદાશ : વેચાણ એક વેપાર-ચોમાસામાં ગુવાર અને જુવાર-ચરિયાણમાં જુવારનું વેચાણ સૌરાષ્ટ્રમાં ખૂબ છે. આગામી શિયાળુ પાક એરંડા, જીરું, રાયડો, ઘઉંનું વાવેતર પણ સારું કરાયું છે. કચ્છ શાખા નહેરનાં આગમન થકી ખેડૂતવર્ગની સાથે તેમાં કામ કરતા મજૂરવર્ગની સમૃદ્ધિ વધી છે. નર્મદા પેટા શાખા વાંઢિયા સુધી વિસ્તારાય એવી માંગ વધી છે એવું ખેડૂત સાથે એડવોકેટ એલ.કે. વરચંદે જણાવ્યું હતું.પ્રકાશનાં પર્વ દિવાળીની રોનક ગત વર્ષની તુલનાએ વિશેષ છે. થનારી આવક મળનારા આર્થિક લાભ સામે આમ આદમી ખર્ચ કરતો હોય છે. ક્યાંક અણધારી આવક સામે ખરીદશક્તિ વધી જાય. બાળ-બચ્ચાં-જીવનસંગિની કે પરિજનો માટે તહેવાર મુજબ જીવનજરૂરી ચીજવસ્તુઓનો કયાસ કાઢી તહેવારને અનુરૂપ-અનુકૂળ થઈ ખર્ચ-ખરીદી કરનારો એક અનોખો વર્ગ છે, જે આ દિવસો જલદી નીકળી જાય એવી કામના કરે છે.’